જામનગર તા. 18, જામનગર જીલ્લા નાં કાલાવડ ના ગ્રામ્ય પંથક માંથી વીજ કંપની ના એલ્યુમિનિયમ ના વાયર ની ચોરી ના બે બનાવ બન્યા હતા. તેની તપાસમાં પોલીસે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદળ ગામના ત્રણ શખ્સને ચોરાઉ 1700 મીટર વીજ વાયર સાથે પકડી પાડ્યા છે.
આ શખ્સોએ અન્ય બે સાગરિત સાથે મળી બંને ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે ચોરાઉ વાયર, રૂ.૪ લાખના બે વાહન કબજે કરી બાકીના બે સાગરિત ની શોધખોળ શરૂ કરી છે.
કાલાવડના ગ્રામ્ય પંથકમાં વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયરની ચોરીના જુદા જુદા બે ગુન્હા નોંધાયા હતા. તેમાં સંડોવાયેલા આરોપીઓ ને પકડી પાડવા માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન નો સ્ટાફ પી આઈ એન.બી. ડાભી ની સુચના અને પીએસઆઈ વી.એ. પરમાર.ની દેખરેખ હેઠળ તપાસમાં હતો.
તે દરમિયાન સ્ટાફ ને મળેલી બાતમીના આધારે બે માલવાહક વાહન સાથે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદળ ગામના ભરત રાતડીયા, નિલેશ સોલંકી, સાગર ડાભી નામના ત્રણ શખ્સને પકડી લેવામાં આવ્યા હતા.
આ શખ્સો પાસે રહેલા જીજે-3-બીવાય 2523 અને જીજે-3-બીઝેડ 1959 નંબરના માલવાહક વાહનની તલાશી લેવાતા તેમાંથી એલ્યુમિનિયમના વીજતારના 20 બંડલ મળી આવ્યા હતા. તે બંડલમાં રહેલા અંદાજે રૂ.45 હજારની કિંમતના 1700 મીટર વાયર અંગે પૂછપરછ કરાતા આ શખ્સોએ રાજકોટ ના ભુરા વઢીયારા, અનિલ વઢીયારા સાથે મળી વીજ કંપનીના કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે આવેલા ગોડાઉનમાંથી તે વાયર ચોરી કર્યાની અને તેના બંડલ ઉપરોક્ત બંને વાહનમાં લઈ.ગયા ની કબૂલાત આપી છે.
પોલીસે રૂ.4 લાખના બે વાહન, રૂ.45 હજારનો 1700 મીટર વાયર કબજે કરી ભરત રાતડીયા, નિલેશ સોલંકી, સાગર ડાભી ની ધરપકડ કરી છે અને અનિલ તથા ભુરા ની શોધ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં આ શખ્સોએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાની સામે ઉપરોક્ત બે ગુન્હા નોંધાયેલા હોવા ઉપરાંત પડધરીના બારનાલા નદીકાંઠેથી એંસી કિલો વાયર ચોર્યાની અને રંગપર ગામના ડેમ પાસેથી 99 કિલો વાયર, કેરાળા-સુવાગ ગામ વચ્ચેથી 50કિલો વાયર અને આણંદપર અને છાપરા ગામ વચ્ચે નદીના કાંઠેથી 120 કિલો વાયર અગાઉ ચોરી લીધાની કબૂલાત આપી છે.
આ શખ્સો વીજ કંપનીની બંધ લાઈનના થાંભલા પરથી એલ્યુમિનિયમનો વાયર કાપી લેતા હોવાની કબૂલાત મળી છે.
અહેવાલ : સાગર સંઘાણી