ડાંગ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે વિધાનસભા નાયબ દંડક વ ડાંગ જિલ્લા ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષ સ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી બાગાયતી ખેતી’ વિષયક જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો હતો. ખેતીના જમીનની ફળદ્રુપતાં જળવાઈ રહે છે માટે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના સૌ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી વધુને વધુ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો છે. રાસાયણિક ખાતરો થી દૂર રહી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવી ખેતીમાં ઉત્પાદન વધારવા તેમજ સરકારી ખેતી વિષયક યોજનાઓનો લાભ લેવા આ પ્રંસગે વિજયભાઈ પટેલે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
વઘઈ કૃષિ યુનિવર્સીટીમાં ખેતી વિશેના તમામ કાર્યક્રમો થી હર હમેંશા નવુ નવુ માર્ગદર્શન મળતું રહે છે. ત્યારે અહિં વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનોને અમલી બનાવી ખેતી પધ્ધતિ સુધારવા પટેલે ખેડુતોને જણાવ્યું હતું. આ સાથે જ ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટને બજારમાં વેચાંણ માટે ખેડુતોમાં સંગઠન હોવુ જરુરી છે. ખેડુતોએ સંગઠન બનાવી પ્રાકૃતિક પ્રોડક્ટનું વેચાણ થાય તે માટે વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. ખેડૂતો ભેગા થઈ બજારમાં વેચાણ કરશે તો ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે. જેથી તેમજ માર્કેટિંગ માટે ખેડૂતોનું સંગઠન હોવું ખુબ જ જરૂરી તેમ પટેલે જણાવ્યું હતું. ગામનું પ્લાનિંગ ગામનાં લોકો જ કરે, ગામમાં પ્રાથમિક જરૂરિયાતો હોય તે માટે ગામના લોકોએ જ રજુઆતો કરશે તો તેનુ નક્કર નિરાકરણ લાવી શકાશે તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમાં જણાવાયું હતું.
આજના યુગમાં પ્રાકૃતિક ખેતી અપનાવવું અતિ મહત્વનું બની ગયું છે. ગંભીર બીમારીઓથી બચવા પ્રાકૃતિક ખેતીનો ખોરાક લેવો જરૂરી છે. જે માટે ખેતીની જમીન રાસાયણિક મુક્ત હોવી જરૂરી છે. તેથી આપણે સૌ જો જમીનની તંદુરસ્તી જાળવીશું તો જ શરીરની તંદુરસ્તી પણ જળવાશે. તેમ નાયબ નિયામક બાગાયત નિયામક ટી. એમ ગામતે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું. ડાંગ જિલ્લાએ વર્ષોથી પ્રાકૃતિક ખેતી જાળવી રાખી છે. વર્ષોથી અહીં રાગીની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. આ સાથે જ અહીં મિલેટ્સની પણ ખેતી કરવામાં આવે છે ત્યારે જિલ્લાની આ પ્રાકૃતિક ઓળખ જળવાઈ રહે તે માટે સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે તેમ વઘઈ કોલેજના આચાર્ય અજય પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.
કે. વી. કે. વડા ડો.એલ. વી. ઘેટીયાએ જણાવ્યું હતું કે, બાગાયતી પાકોને વધુ પાણી મળવાના કારણે છોડ ઉપર જીવાત વધતી હોય છે. માટે પાક સંરક્ષણ માટે છોડની જરૂરિયાત મુજબનું જ પાણી આપવું જોઈએ. તેમજ ડાંગ જિલ્લામાં થતાં બગાયતી પાપડી જેવા પાકો ઉપરની જીવાત રોકવા માટે રાખોડીનો ઉપયોગ કરી શકાય છે. તેમ વિવિધ પાક સંરક્ષણ માટેની પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ જાણકારી આપી હતી. ખેડુતો હવે બાગાયતી ખેતી તરફ આકર્ષાયા છે. બાગાયત ખેતી માટે ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ / રોપા/ કલમોનો ઉપયોગ, બાગાયતી પાકોનો વિસ્તાર તથા ઉત્પાદન વધારવું સંકલિત રોગ / જીવાત નિયંત્રણ વ્યવસ્થા, સંકલિત ખાતર વ્યવસ્થા, યાંત્રિકીકરણ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, બાગાયતી પાકોમાં મુલ્યવર્ધન, કાપણી પછીની માવજતો, ફળ-શાકભાજી પાકોમાં નિકાસમાં પ્રોત્સાહન નર્સરી અને પ્રોસેસીંગ એકમોની સ્થાપના મારફત સ્વરોજગારી ઉભી કરી બાગાયતદારોની આવકમાં વૃધ્ધિ કરવા માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં છે.
બાગાયત ખાતા દ્વારા ફળપાકો, પ્લાન્ટેશન પાકો, શાકભાજી પાકો, મસાલા પાકો, ફુલપાકો, ઔષધિય અને સુંગધિત પાકોની ખેતી તથા મધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ, બાગાયતી યાંત્રીકરણ, બાગાયતી પાકોની કાપણી પછીના વ્યવસ્થાપન માટે આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત બાગાયત ખાતા દ્વારા બાગાયતી ઉત્પાદનને લાંબા સમય સુધી જાળવણી કરી શકાય તે માટે પ્રજાજનમાં જાગૃતિ આવે તે આશયથી રાજ્યમાં કેનિંગ અને કિચન ગાર્ડનિંગ સેન્ટરો કાર્યરત છે. જેમાં શહેરી તથા ગ્રામ્ય મહિલાઓને ફળ અને શાકભાજીના પરિરક્ષણની તાલીમ આપવામાં આવે છે. બાગાયત ખાતાની નર્સરીઓ તથા સેન્ટર ઓફ એક્સેલન્સ મારફતે ગુણવત્તાયુક્ત કલમો/રોપા ખેડુતોને પુરા પાડવામાં આવી રહ્યા છે.
સામાન્ય રીતે ખેડુતોને કોઇ પણ સહાય મેળવવા માટે અરજી કરવા જરૂરી પ્રાથમિક માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે રાજ્યના ખેડુતોને કૃષિ વિષયક માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઇ શકે તેમજ વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓના લાભ ખેડુતોને ઘરઆંગણે મળી શકે તે માટે સરકારશ્રી દ્વારા i-khedut પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના દ્વારા ઓનલાઇન અરજી કરી શકાય છે. વઘઇ ખાતે આયોજીત આ કાર્યક્રમ વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદર પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ સંજય ભગોરીયા, જિલ્લા પંચાયત નાયબ ખેતીવાડી અધિકારી બાલુ પટેલ, જિલ્લા પંચાયત મદદનીશ ખેતી નિયામક હર્ષદ પટેલ, કે. વી. કે. વડા એલ. વી.ઘેટીયાએ, મદદનીશ બાગાયત નિયામક અમોલ ગોંગે સહિત મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં.