- જન જાગૃતિ રેલી અને બે લાખથી વધુ પેમ્પલેટનું વિતરણ કરાયું
રાજકોટ જિલ્લામાં ટી.બી. નાબૂદી અભિયાન માટે કલેકટર પ્રભવ જોશીની સુચનાના પગલે 50થી વધુ ટીમો બનાવવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં અને ટી.બી.થી થતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉદેશથી ગત તા.7 થી 100 દિવસ સુધી અભિયાન શરૂ રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં એક-એક વ્યક્તિ સુધી પહોંચવા માટે સઘન કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં જનજાગૃતિ માટે 100થી વધુ જનજાગૃતિ રેલી યોજવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17844 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ધોરાજીમાં ચાર, ગોંડલમાં ચાર, જસદણમાં બે, જેતપુરમાં પાંચ, કોટડા સાંગાણીમાં બે, લોધીકામાં એક તેમ કુલ મળીને 18 કેશ પોઝિટિવ આવ્યા છે. એનજીઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજી લાગતા-વગળતાઓને અને 60 વર્ષથી વધુના વૃદ્વો અને અગાઉ ટી.બી. થયેલ હોય તેના સંપર્ક આવ્યા હોય તો ટી.બી.નો રિપોર્ટ કરાવવો જોઇએ.
રાજકોટ જિલ્લામાં- કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ખાસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં એક-એક લોકો સુધી પહોંચવા માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટીબી નાબૂદી કાર્યકમ શરૂ કરવામાં આવ્યા છે. ગામે-ગામે જઈ સ્કૂલો તેમજ ગામના લોકોને ટીબી માટેની જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં તંત્ર દ્વારા બે લાખથી પણ વધુ લોકોને જાગૃતિ માટે પેમ્પલેટ છાપવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઝુંબેશ હાથ ધરવા માટે કલેકટર દ્વારા સુચના આપવામાં આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક-એક લોકો સુધી પહોંચીને ટીબીથી લોકોને જાગૃત કરવા અલગ-અલગ વિસ્તારોમાં રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા દર્દીને વધુ પૌષ્ટિક આહાર મળી રહે અને તેની ટીબી મુક્ત થવાની સંભાવના વધી જાય તે માટે 1લી નવેમ્બરથી આ રકમ બમણી કરવામાં આવી છે અને હવે દર્દીઓને મહિને રૂ.500ની જગ્યાએ રૂ.1000ની સહાય મળશે. ટીબી હવા મારફતે ફેલાતો ચેપી રોગ છે. એક ટીબી દર્દી ઓછામાં ઓછા 10 વ્યક્તિને ચેપ લગાડી શકે છે. રાજકોટ જિલ્લામાં 2021ની સાલમાં 2613, 2022ની સાલમાં 2815 અને 2023ની સાલમાં 2795 ટીબીના દર્દીઓ નોંધાયા છે.