- ટીપીના કોમર્શિયલ અને રેસિડેન્સીયલ સેલ હેતુ માટેના અનામત પ્લોટ પર ખડકાયેલા 60 ઝુંપડા તોડી પડાયા: વોર્ડ નં.6માં રામેશ્ર્વર પાર્કમાં રોડ પરથી એંગલ હટાવી રસ્તો ખૂલ્લો કરાવાયો
નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાના આદેશ બાદ આજે ઇસ્ટ ઝોન કચેરીના સિટી એન્જીનીંયર એમ.આર.શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ શહેરના સામાકાંઠા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઝુંપડા અને રોડ પરનું બાંધકામ તોડી પાડી રૂ.97.43 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.4માં ટીપીના કોમર્શિયલ હેતુ માટેના અનામત પ્લોટ નં.34/બીમાં 10,166 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે ખડકાયેલા ઝુંપડાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. રૂ.40.66 કરોડની જમીન ખૂલ્લી કરવામાં આવી હતી. ત્યારબાદ ટીપીનો કાફલો રેસિડેન્સીયલ સેલ માટેના અનામત પ્લોટ નં.35/એ માં ત્રાટક્યો હતો. અહિં 14,193 ચોરસ મીટર જમીન પર ઝુંપડા બનાવી દેવામાં આવ્યા હતા. જે તોડી પાડી રૂ.56.77 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. વોર્ડ નં.6માં રામેશ્ર્વર પાર્ક મેઇન રોડ પર ટીપીના રોડ પર એંગલનું દબાણ હતું. જે તોડી પાડવામાં આવ્યું હતું. આજે ડિમોલીશનની કામગીરી દરમિયાન વોર્ડ નં.6માં રસ્તો ખૂલ્લો કરાવવામાં આવ્યો હતો. જ્યારે 24359 ચોરસ મીટર જમીન પર ખડકાયેલા 60 ઝૂંપડાઓ તોડીને રૂ.97.43 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.