રાજ્યના પશુધનને સ્થળ પર જ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે રાજ્ય સરકારે પશુપાલન વિભાગના માધ્યમથી દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (MVD – મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી) ની યોજના અમલમાં મૂકી છે. અબોલા પશુઓ માટે ફરતું પશુ દવાખાનું સંજીવની સમાન છે, ત્યારે નવસારીની મોબાઇલ એનિમલ હોસ્પિટલની એક ટીમે સમગ્ર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવી દીધું છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા હૈદરાબાદ ખાતે આયોજીત શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક રાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં આ ગૌરવવંતુ સન્માન મેળવીને નવસારીની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે.
આ એવોર્ડ સમારોહમાં દેશના જે પણ રાજ્યોમાં ફરતું પશુ દવાખાનું એટલે કે 1962 પર કોલની સેવા કાર્યરત છે, તેમાંથી સર્વશ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષકની કામગીરી કરી હોય તેવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગર્વની વાત એ છે કે, આ એવોર્ડ માટે નવસારી જિલ્લામાંથી દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ટીમની પસંદગી કરવામાં આવી હતી. દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (MVD) ના પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ભાવિકા પટેલ અને પાયલોટ કમ ડ્રેસર હેતલ પટેલને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના ચેરમેન ડો. જી. વી. કે. રેડ્ડીએ ડાયરેક્ટર કૃષ્ણમ રાજુ એન વેંકટેશમ તેમજ ગુજરાતના 108, 1962 તથા અન્ય ઈમરજન્સી સેવાના સ્ટેટ હેડ જશવંત પ્રજાપતિ ઉપરાંત દરેક રાજ્યોના અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આ ગરિમામય એવોર્ડ એનાયત કર્યો હતો. આ સાથે જ આ બંને પશુસેવકોએ સમગ્ર નવસારીનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે.
એવોર્ડ સન્માન મેળવ્યા બાદ ડો. ભાવિકા પટેલે જણાવ્યું હતું કે, નવસારી સહિત ગુજરાતની પશુ આરોગ્ય સેવાઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હોવાથી ગર્વ અને હર્ષની લાગણી અનુભવું છું. તેમણે જે કામ બદલ આ એવોર્ડ મળ્યો તેની વાત કરતા ઉમેર્યું હતું કે, વાંસદા તાલુકાના ભીનાર ગામના એક પશુપાલકે 1962 પર ફોન કરીને વાછરડીને નાભીમાં સોજો હોવાનું જણાવ્યું હતું. માહિતી મળતા જ ડો. ભાવિકા પટેલ અને ડ્રેસર હેતલભાઈ સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે પશુપાલકને ફોન પર સતત માર્ગદર્શન પણ પૂરૂ પાડ્યું હતું. સ્થળે પહોંચતા જ વાછરડીને હર્નિયાનું ઓપરેશન કરવું પડે તેમ હતું.
આ બંને પશુસેવકોએ તાત્કાલિક ધોરણે ઓપરેશન કરી અબોલ જીવને અસહ્ય પીડામાંથી મુક્ત કરી નવજીવન આપ્યું હતું. મહત્વનું છે કે, રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંકલનથી નવસારી જિલ્લામાં દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું કાર્યરત છે, જે નવસારી જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલ પશુ-પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. નવસારી જિલ્લો રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા બનતા દક્ષિણ ગુજરાત ઝોનના પ્રોગ્રામ મેનેજર ડો. રવિ રિન્ક તથા 1962 અને MVD નવસારી & વલસાડ પ્રોજેકટ કો-ઓર્ડીનેટર નિરવ પ્રજાપતિ દ્વારા ઉમદા કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.