CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લાઓના પોતાના પ્રવાસ દરમિયાન જરૂરિયાત મુજબ સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર CM સ્થાનિક પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રશ્નોના નિવારણ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપતા હોય છે. CM ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને આગળ ધપાવતા બુધવારે તા. 18 ડિસેમ્બરે પાલીતાણાના પ્રવાસ કાર્યક્રમ બાદ પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે પાલીતાણા નગર સેવા સદન ખાતે ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને પાલિકાના સદસ્યો તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને પાલિકાના નવીન મકાન, નાણાંકીય સાધનો વધારવા તથા સ્વચ્છતા-સફાઈની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. CM એ નગરપાલિકાઓને વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ઉદાર હાથે સહાય આપવાની ખાતરી આપી હતી.
ધારાસભ્ય ભીખા બારૈયા, પ્રદેશ અગ્રણી મહેન્દ્રસિંહ સરવૈયા, કલેકટર આર.કે મહેતા, ભાવનગર ખાતેના રીઝીયનલ કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ ડી.એમ. સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.