જામનગર જિલ્લાના જામજોધપુર માં બાયપાસ રોડ પર ગઈકાલે એક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈકમાં પાછળની સીટમાં બેઠેલા 40 વર્ષના એક મહિલાને ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે. જામજોધપુર પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં ચકલી ચોરા પાસે રહેતા નીતાબેન મેઘનાથી (ઉંમર વર્ષ 40) કે જેઓ પોતાના પાડોશમાં રહેતા શ્યામભાઈ નામના વ્યક્તિના બાઈકમાં બેસીને પોતાના કામ અર્થે જામજોધપુર બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન GJ-14 ઝેડ. 0754 નંબરના આઇસર ટ્રકના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ની પાછળ બેઠેલા નીતાબેન મેઘનાથી નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓને પેટના ભાગે તેમજ પીઠ ના ભાગે ગંભીર થઈ હોવાથી સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબે તેઓ નું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતક નીતાબેન ના પુત્ર રોહિત બુધાભાઈ મેઘનાથી એ આઈશર ટ્રક ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જામજોધપુરના મહિલા PSI એમ.એલ. ઓડેદરાએ ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે, જે પોતાનો ટ્રક રેઢો મૂકીને ભાગી છૂટ્યો હોવાથી ટ્રક કબજે કરી લઇ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.