- ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર,
- ઝારખંડના મંત્રી બાળકીનાં પરિવારજનો સાથે મુલાકાત
- ઝારખંડ સરકાર દ્વારા 4 લાખથી વધુની સહાય કરવામાં આવી
ગુજરાતમાં મારામારી, દુષ્કર્મ, હત્યા સહિતના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં બાળકી હાલ વડોદરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજના મંત્રી સહિતની ટીમ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. તેમજ ઝારખંડ સરકારની ટીમે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરીને બાળકીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે સમગ્ર ઘટના મામલે કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વડોદારમાં ઝારખંડ સરકારના મંત્રીની મુલાકાત
ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા બાળકીની હાલત ગંભીર હોવાથી હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમજ આરોપી ઝારખંડનો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં કોંગ્રેસના મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનો-તબીબો સાથે મુલાકાત કરી હતી. આ સાથે મંત્રીએ જણાવ્યું કે, ઝારખંડ સરકારે બાળકીની વધુ સારવારને લઈને તૈયાર પણ દાખવી હતી.
‘ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બાળકીને વધુ સારવાર મળે તે માટે 3 સભ્યોની ટીમ ગુજરાત મોકલી છે. તેમજ સમગ્ર ઘટનાને લઈને બાળકીના પરિવારને ઝારખંડ સરકાર દ્વારા 4 લાખથી વધુની સહાય કરવામાં આવી છે. બાળકીને અન્ય રાજ્યમાં વધુ સારવાર અર્થે લઈ જવાની હશે તો પણ અમે તૈયાર છીએ. આ પ્રકારની ઘટના રાજકારણથી દૂર રહીને બાળકીના સારવાર પર વધુ ધ્યાન આપવું જોઈએ.’
આરોગ્ય મંત્રીએ બાળકીની સારવાર માટે આપી સૂચના
આ ઘટનાને લઈને હાલ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સૌ કોઈ બાળકીને ન્યાય મળે તે માટે અપીલ કરી રહ્યા છે. આ ઘટનાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ બાળકીને યોગ્ય સારવાર મળી રહે તે માટે સૂચના આપવામાં આવી છે. તેમજ આરોપીની સામે પણ કડક પગલાં લેવા માટે તેમણે સૂચના આપી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગઈ કાલે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું એક શખસે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. તેમજ આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.