- યાર્ડની બંને બાજુ વાહનોની 10 થી 12 કી.મી.લાંબી કતારો: એક અઠવાડીયામાં 250થી 300નું ગાબડું
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એકજ દિવસ માં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી.માર્કેટ યાર્ડ માં ડુંગળીનાં અંદાજે ત્રણલાખ કટ્ટા ની આવક થવા પામી છે. મંગળવાર સવારથી સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પોહચ્યા હતા અને રાત 9 વાગ્યા સુધીમાં અંદાજે 2500 થી વધુ વાહનોની 10 થી 12 કિલોમીટર લાંબી કતારો લાગી હતી. માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 400 જેટલા વાહનોની લાઈનો લાગી છે. ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.ડુંગળીનાં ભાવ માં રુ.250 થી 300 નું ગાબડુ પડતા ખેડુતોને રડવાનો સમય આવ્યો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સુત્રોનાં જણાવ્યાં અનુસાર માર્કેટિંગ યાર્ડમાં ડિસેમ્બર મહિનામાં માત્ર ડુંગળીના 10 લાખ થી વધુ કટ્ટાની આવક થવા પામી હતી. ત્યારે ખેડુતો ને ઉંચા ભાવ મળ્યાં હતા.
દરમિયાન ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેનું એકમાત્ર કારણ સમગ્ર ભારતમાં ડુંગળીની પુષ્કળ આવકને કારણે ભાવમાં ઘટાડો થવા પામ્યો હતો. ગોંડલ યાર્ડમાં સાત દિવસ પહેલા હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી 850 સુધી બોલાયો હતો. ત્યારે આજે યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક વચ્ચે ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. આજે ડુંગળીની હરાજીમાં 20 કિલોનો ભાવ માત્ર રૂ.100 થી રૂ. 481 સુધીનો બોલાયો હતો. માત્ર સાત દિવસની અંદર જ હરાજીમાં ડુંગળીનો ભાવ અડધો થઈ જવા પામ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક સાથે હરાજીમાં ડુંગળીની બજાર અડધી થઈ જતા ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં સોના કરતા ઘડામણ મોંઘુ જેવો ઘાટ ઘડાયો છે.
ખેડૂતો ડુંગળીના ભાવને લઈ અસંતુષ્ટ: સરકાર પોષણક્ષમ ભાવ અપાવે તેવી માંગ
ડુંગળીનાં મબલખ પાક વચ્ચે ખેડુતોને પુરો ભાવ મળતોનાં હોય ખેડુતો નિરાશ બન્યા છે. વાવેતર, મજુરી સહિત ની મહેનત પાણીમાં ગઈ હોવાનો અફસોસ ગોંડલ માર્કેટ યાર્ડ માં ખેડુતોએ વ્યક્ત કર્યો હતો.
વિસાવદર તાલુકાના લીમત્રા ગામેથી ડુંગળી વેચવા આવેલા રાહુલ ભંડેરી નામના ખેડૂતે જણાવ્યું હતું કે, 7 વીઘાનું ડુંગળીની અંદાજીત વાવેતર છે જેમાંથી અત્યારે ત્રણથી સાડા ત્રણ વિઘાનું એક લોટ આવેલો છે તેમાંથી 35 ટકાનો નાનો વકલ છે જેમાં 20 કિલોના 650/- રૂપિયા જેવો ભાવ મળ્યો છે આજ ડુંગળી અઠવાડિયા અગાઉ યાર્ડ માં 900/- થી 800/- રૂપિયાના ભાવે જતી હતી સરકારને વિનંતી છે કે થોડુંક ભાવમાં સારું રાખેતો બધા ખેડૂત ને સારૂ રહે.
જૂનાગઢ જિલ્લાના પાતાપુર ગામના ખેડૂત ગોપાલભાઈ ડાયાભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે,401 રૂપિયાની ડુંગળી વેચાય છે પણ જો ખર્ચાની વાત કરીએ તો 50% ઉપર ખર્ચો મજૂરીનો થાય છે એ અમને પોસાતું નથી થોડો ભાવ વધી જાય તો સારૂ કહેવાય 600/- થી 700/- રૂપિયા આ માલનો હોવો જોઈએ. સરકારને વિનંતી કરીએ છીએ કે અત્યારે ડુંગળીની નિકાસ ચાલુ કરે તો ભાવ સારો મળે અને ખેડૂતને પોસાય બાકી અત્યારે ખેડૂતને પોસાય તેમ નથી 4 વિઘાની ડુંગળી હતી તેમાં એક લાખ ઉપરનો ખર્ચો થયો છે.
એકબાજુ ડુંગળીથી યાર્ડ ઉભરાઈ રહ્યા છે.તો બીજી બાજુ ભાવ માં ઘટાડો થતા ખેડુત નો રડવાનો વખત આવ્યો છે.