- ભવ્યાતિભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરાઇ
- ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંવિધાનનો અમૃત મહોત્સવ” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે
- ભગવાન બિરસામુંડાની 150મી જયંતી સંદર્ભે ગુજરાતમાં આગામી વર્ષ 2025ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાશે
- સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીના ઉપલક્ષ્યમાં પણ ઉજવણી કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2025માં ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનનો અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત આવતા વર્ષે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીના 100માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી કરાશે. સાથે જ, ભગવાન બિરસામુંડાની 150મી જયંતી નિમિત્તે ગુજરાતમાં આગામી વર્ષ 2025ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી વર્ષે સંવિધાનના અમૃત મહોત્સવ, સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતી, અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતી તેમજ જનજાતિય ગૌરવ વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળની સંચાલન સમિતિ તેમજ મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ કારોબારી સમિતિની રચના કરાઇ છે.