- કેવાયસી સહિતની કામગીરી માટે ત્રણેય ઝોન કચેરી ખાતે અરજદારોની લાઇનો લાગતી હોય તાત્કાલિક અસરથી લેવાયો નિર્ણય: કાલે સવારથી વહેલા તે પહેલાના ધોરણે ટોકન અપાશે
ઇ-કેવાયસી માટે છેલ્લા ઘણા દિવસોથી કોર્પોરેશનની ઝોન કચેરી ખાતે આધાર કાર્ડ માટે લોકોની લાંબી-લાંબી લાઇનો લાગતી હોય આજથી જ કોર્પોરેશનમાં આધાર કાર્ડને લગતી કોઇપણ પ્રકારની કામગીરી માટે ટોકન સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવી છે. આજે કીટ દીઠ 40-40 ટોકન અપાયા બાદ બાકીના અરજદારોને પરત મોકલી દેવામાં આવ્યા હતા. કાલથી વહેલા તે પહેલાના ધોરણે ટોકન આપવામાં આવશે.
રેશન કાર્ડમાં ઇ-કેવાયસીની કામગીરીના કારણે આધાર કેન્દ્રો પર અરજદારોનો ટ્રાફિક સતત વધતું જાય છે. આજે બુધવારે કારખાનાઓમાં રજા હોવાના કારણે કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કાર્ડ અને જન્મ-મરણના દાખલાની કામગીરી માટે અરજદારો ઉમટી પડ્યા હતા. સિવિક સેન્ટરથી લઇ મુખ્ય દરવાજા સુધી લાંબી લાઇન લાગી ગઇ હતી. દરમિયાન ડીએમસી હર્ષદભાઇ પટેલે આધાર કાર્ડની કામગીરી સંભાળતા અધિકારીઓને એવી સૂચના આપી હતી કે આજથી જ આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવે. સ્ટાફ દ્વારા ટોકન અપાયા બાદ બાકીના અન્ય અરજદારોને ઘેર પરત મોકલી દેવામાં આવ્યા હતા.
અધિકારીના જણાવ્યાનુસાર હાલ સેન્ટ્રલ ઝોનમાં આધારની સાત કીટ, વેસ્ટ ઝોનમાં આધારની સાત કીટ અને ઇસ્ટ ઝોનમાં આધારની છ કીટ કાર્યરત છે. આવતીકાલે સવારે 10:30 કલાકે એટલે કચેરી ખૂલવાના સમયે આધાર કેન્દ્રો પરથી અરજદારોને ટોકન આપવામાં આવશે. સામાન્ય રીતે જો દિવસ દરમિયાન કોઇ ટેકનીકલ સમસ્યા ઉભી ન થાય તો એક કીટમાં 42થી 45 આધાર કાર્ડની કામગીરી થઇ શકે છે. કાલથી કીટ દીઠ 30 થી 40 ટોકન આપવામાં આવશે. સરેરાશ 750થી વધુ ટોકન અરજદારોને મળશે. જો ઓપરેટરોની રજા હશે તો તે મુજબ ટોકનનું વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આધાર કાર્ડની કામગીરી માટે લોકોને ટોકન આપવામાં આવતા હતા. ફરી ચાર વર્ષ માટે આ સિસ્ટમ અમલમાં આવી છે. ડીએમસીના આદેશ બાદ તાત્કાલીક અસરથી આધારને લગતી કામગીરી માટે ટોકનની અમલવારી કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારથી વહેલા તે પહેલાના ધોરણે અરજદારોને ટોકન આપવામાં આવશે. જેના કારણે ઝોન કચેરી ખાતે લાગતી લાંબી કતારોમાંથી મુક્તિ મળશે અને અરજદારોએ પણ પોતાનો કિંમતી સમય બગાડી કલાકો સુધી લાઇનમાં નહીં રહેવું પડે. જન્મ-મરણના દાખલા મેળવવા માટે પણ અરજદારોએ કલાકો સુધી લાઇનમાં રહેવું પડે છે પરંતુ આ વિભાગમાં ટોકન સિસ્ટમની અમલવારી કરવી મુશ્કેલ છે. જેથી ત્યાં લાઇનો યથાવત જોવા મળી રહી છે.