વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને કેરાલાનું ડેલીગેશન અભિભૂત થયું. કેરાલાના સ્થાનિક મીડિયાના 10 મહિલા પત્રકારો અને બે અધિકારીઓ એકતાનગરની મુલાકાતે પધાર્યા. મીડિયા ડેલીગેટ્સ સાથે સંવાદ સાધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના અને અન્ય આકર્ષણોના વિકાસથી પ્રવાસનને મળેલા વેગ અને સ્થાનિકો માટે થયેલા રોજગાર સર્જન અંગે માહિતી આપતા SoUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ.
કેરાલાનું આ પ્રતિનિધિ મંડળ તા. 17 થી 23 ડિસેમ્બર સુધી ગુજરાતના વિવિધ મહત્વના સ્થળોની મુલાકાતે. કેરાલાના સ્થાનિક મીડિયાના મહિલા પત્રકારોનું પ્રતિનિધિ મંડળ ગરવી ગુજરાતના તા.17 થી 23 ડિસેમ્બર 6 દિવસના પ્રવાસ દરમ્યાન રાજ્યના વિવિધ મહત્વના સ્થળોની સ્ટડી ટુર માટે પધાર્યા છે. જેમાં એક દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પધાર્યા હતા. આ પ્રતિનિધિ મંડળમાં 10 જેટલા મહિલા મિડીયાકર્મીઓ અને બે મહિલા અધિકારી સામેલ થયા હતાં. આ પ્રતિનિધિ મંડળ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે વૈશ્વિક પ્રવાસન સ્થળ એકતાનગરની મુલાકાત લીધી હતી.
સૌ પ્રથમ સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ સાથે મુલાકાત અને સંવાદ સાધ્યો હતો. જેમાં CEOએ સ્ટેચ્યુ ઑફ યુનિટી સાથે તેની આસપાસના અન્ય પ્રકલ્પોના અને પ્રવાસન સ્થળના વિકાસથી સ્થાનિક આદીવાસી સમાજના રોજગાર સર્જન સાથે તેમના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન અંગે માહિતી આપી હતી. સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા માટે ભવિષ્યમાં નિર્માણ પામનારા અન્ય પ્રકલ્પોનો રોડમેપ દર્શાવી ઇ-સિટી એકતાનગરની વિસ્તૃતમાં જાણકારી પુરી પાડી હતી. તેઓની સાથે એકતાનગર નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ, SoU ના અધિક કલેક્ટર નારાયણ માધુ, નાયબ કલેકટર સર્વ પંકજ વલવાઈ અને દર્શક વિઠલાણી પણ જોડાયા હતા.
મિડીયા પ્રતિનિધિ મંડળે આરોગ્ય વનની મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અહીં સરદારના સાનિધ્યમાં એક ભારત શ્રેષ્ઠ ભારત, યુનિટી ઑફ વોલ અને પ્રદર્શની નીહાળી આનંદવિભોર બન્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમ, નર્મદા રિવર, પ્રાકૃતિક સૌંદર્ય, મિયાવાકી ફોરેસ્ટ, સિંચાઇ અને પીવાના પાણી પૂરું પાડતી વિશાળ કેનાલ નેટવર્કના ઝિરો પોઇન્ટ એટલે કે જ્યાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે છે તે સ્થળ સહિત એકતાનગરના વિવિધ પ્રકલ્પો નિહાળ્યા હતા. વિવિધતામાં એકતાના દર્શન કરાવતા એકતાનગરનો વિકાસ નજરે નિહાળી પ્રતિનિધિ મંડળના સભ્યો અભિભૂત થયા હતા. વિવિધ સ્થળે સેલ્ફી લઈ પોતાના મોબાઈલમાં પ્રાકૃતિક નજારાને કેદ કરીને એકતાનગરના કાયમી સંભારણાને યાદગીરીરૂપે અલગ-અલગ જગ્યાની તસ્વીરો કંડારી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન SoUના ગાઈડ જુલી પંડ્યાએ ડેલિગેટ્સને ગાઈડ કર્યા હતા. એકતાનગરના ટુંકા પ્રવાસ બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા હતાં.