- સમય સાથે તાલ મિલાવતા અદ્યતન કાયદા સહિતની કાર્યપદ્ધતિઓની તાલીમ કર્મચારીઓને વધુ સક્ષમ બનાવે છે – જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
ગીર સોમનાથ: રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના મહેસૂલી અધિકારી તેમજ કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન આજે જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કરાયું હતું. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ તાલીમમાં મહેસૂલી કામગીરીથી સંકળાયેલા વિવિધ વિષયોને આવરી લઈ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર દિગ્વિજ્યસિંહ જાડેજાએ તાલીમનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જમીન અને મહેસૂલી કાયદા અંગે દરેક અધિકારી-કર્મચારી જાણકાર થાય અને તેનો યોગ્ય ઉપયોગ થાય તો લોકોને સરકારી સેવાઓ સરળતા મળી રહે અને આ તાલીમથી અધિકારી-કર્મચારીઓ મહેસૂલી કાયદાઓથી વાકેફ થઇ શકે તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં જમીન અને મહેસૂલના વહીવટનો ઇતિહાસ, જમીનના વહીવટ અંગેના કાયદાઓ અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, હક પત્રક અદ્યતન રાખવાની કામગીરી અને જવાબદારીઓ, લેન્ડ રેકર્ડઝ કમ્પ્યુટરાઈઝેશન, મહેસૂલી કેસો, તકરાર, અપીલ, રિવિઝન અંગેની કાર્ય પધ્ધતિ, કોર્ટ મેટરને લગતી કામગીરી, સરકારી, ગૌચર, સાર્વજનિક જાહેર જમીનોની જાળવણી, ખાતેદારો/નાગરિકો દ્વારા જમીન મહેસૂલના વિવિધ કાયદાઓના કેસોની કાર્યવાહી, સિટી સર્વે કચેરીઓની કામગીરી, સર્વે અને માપણી વિભાગની કામગીરી, નોંધણી અને સ્ટેમ્પ વિભાગની કામગીરી તથા એથીક જેવા વિવિધ વિષયો પર મહેસૂલી કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓને તાલીમ અપાઈ હતી. આ તાલીમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લાના મામલતદારઓ, નાયબ મામલતદાર, રેવન્યક તલાટીઓ સહભાગી થયા હતાં.
અહેવાલ: અતુલ કોટેચા