- મદદ માટે આવેલા એક પાડોશી પણ દુર્ઘટના વખતે બેભાન થયા, બેભાન થઈ ગયેલા લોકોને કઠુઆની જીએમસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં શિવનગરમાં એક ઘરમાં આગ લાગવાથી 6 લોકોના શ્વાસ રૂંધાઈ જતાં મોત થયા છે. માહિતી મુજબ આ ઘરમાં લગભગ 9 લોકો સૂતા હતા, જેમાંથી 6 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા, જ્યારે 3 લોકો બેભાન થઈ ગયા છે. માહિતી અનુસાર મદદ માટે આવેલા એક પાડોશી પણ દુર્ઘટના વખતે બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ ગયેલા લોકોને કઠુઆની જીએમસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. માહિતી અનુસાર જેમના ઘરમાં આગ લાગી તે નિવૃત્ત પોલીસ અધિકારીનું મકાન હતું. જેમાં નિવૃત્ત ડીએસપી પણ મૃત્યુ પામી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જો કે આગ એટલી જોરદાર હતી કે ઘણા લોકોને બહાર કાઢવામાં મોડું થયું હતું. જીએમસી કઠુઆના પ્રિન્સિપાલ ડો. સુરિન્દર અત્રીએ કહ્યું કે, મૃતકનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. મોડી રાત્રે લાગેલી આગના કારણે ઘરમાં સૂતેલા લોકો આગની લપેટમાં આવી ગયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ દર્દનાક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. મૃતકોના પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ રડી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે અને વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાની માંગ કરી છે.