- દરિયાઇ જીવસૃષ્ટિની સલામતી માટે વન વિભાગ દ્વારા ગાઇડલાઇન જાહેર કરાય: બોટધારકોએ વન વિભાગ પાસેથી પરવાનો મેળવવો પડશે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ડોલ્ફીન માટે બોટીંગ પ્રવાસ કરાવી શકાશે
ગુજરાતના દરિયામાં ડોલ્ફીનનું પ્રમાણ દિવસેને દિવસે વધતાં પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બન્યું છે. જેને લઇ રાજ્યના વિવિધ જગ્યાએ ડોલ્ફીન પ્રવાસન શરૂ થયું છે. ડોલ્ફીન સહિત દરિયાઇ જીવને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આજે વન વિભાગ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં ડોલ્ફીનને નિહાળવા પ્રવાસીઓને લઇ જતા પહેલા બોટનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને દરેક બોટમાં જીપીએસ દ્વારા લાઇવ ટ્રેકીંગ થઇ શકે તે મુજબની નેવીગેશન ધરાવતી સિસ્ટમ હોવા અંગેની માહિતી પણ વન વિભાગને આપવી પડશે.
ગુજરાતના ઓખાથી નવલખી, કચ્છ, ભાવનગર અને મોરબી દરિયાઇ વિસ્તારમાં ડોલ્ફીનની નોંધપાત્ર સંખ્યા જોવા મળતા પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉભું થયું છે. પ્રવાસીઓને ડોલ્ફીન જોવા માટે બોટીંગ શરૂ થતા વન વિભાગે ડોલ્ફીનની સુરક્ષા અને બોટ ઉપર દેખરેખ માટે ગાઇડલાઇનમાં બોટધારકોએ ડોલ્ફીન પ્રવાસ માટે રજીસ્ટ્રેશન વન વિભાગની કચેરીએ કરાવી પરવાનો મેળવી પરમીટ ફી ભરવાની રહેશે. જે બોટનું રજીસ્ટ્રેશન થશે તેને જ નિયત રૂટ અને પ્રવાસીઓની સંખ્યા આપવામાં આવશે. આ ઉપરાંત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ડોલ્ફીન માટે બોટીંગ પ્રવાસન કરાવવું પડશે.
રાજ્યના દરિયા કિનારે 600થી વધુ ડોલ્ફીન
તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા ડોલ્ફીનની ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ ગણતરી ઓક્ટોબર-2024માં કરવામાં આવી હતી અને વન વિભાગના આંકડા મુજબ ગુજરાતના દરિયા કિનારે 680 જેટલી વસ્તી કુલ 4087 જેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં નોંધાઇ છે. જેમાં સૌથી વધુ ડોલ્ફીન 498 જેટલી ઓખાથી નવલખી સુધીના મરીન નેશનલ પાર્ક અને સેન્ચૂરી વિસ્તારમાં જોવા મળે છે. આ માટે હવે ડોલ્ફીન જોવા માટેના પ્રવાસીઓની બોટનું લાઇવ ટ્રેકીંગ સહિતની અન્ય ગાઇડલાઇનો સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.