- કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે રૂ. 840 કરોડના રોકાણ સાથેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું
કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર પાટીલે રવિવારે સુરતના પલસાણા ખાતે ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 30,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા સુચી સેમિકોનના પ્લાન્ટમાં પ્રતિ દિવસ 3 લાખ ચિપ્સની ઉત્પાદન ક્ષમતા હશે. આ પ્લાન્ટની સ્થાપના રૂ. 840 કરોડના રોકાણ સાથે કરવામાં આવી છે.
ઉદ્ઘાટન દરમિયાન, પાટીલે જણાવ્યું હતું કે, “સેમિકન્ડક્ટર એ ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટે સૌથી મહત્વપૂર્ણ ઘટક છે અને ડિજિટલ ક્રાંતિ માટે સૌથી મહત્વપૂર્ણ કાચો માલ છે. રાજ્યના ઉદ્યોગ સાહસિકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટરનો સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માટે ગુજરાતમાં આવા ઉત્પાદનોનું ઉત્પાદન શરૂ કરી રહ્યા છીએ.” તેમણે કહ્યું કે કોવિડ પછી સુચી સેમીકોને ખૂબ જ ઓછા સમયમાં પ્લાન્ટની સ્થાપના કરી અને તેને કાર્યરત પણ કરી દીધી.
સુચી સેમિકોનના સ્થાપક અશોક મહેતાને અભિનંદન આપતાં પાટીલે જણાવ્યું હતું કે, “મહેતાએ તેમની કારકિર્દીની શરૂઆત 1500 રૂપિયાની નોકરીથી કરી હતી. આજે તેમના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં 1500 પ્રતિભાશાળી ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સ કામ કરી રહ્યા છે.”
પીએમ મોદીના સપના સાકાર
ઉદ્ઘાટન દરમિયાન ઉપસ્થિત રહેલા ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત અને ગુજરાતીઓ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે, જે સુચી ગ્રુપે સાબિત કર્યું છે. ઔદ્યોગિક વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં હંમેશા મોખરે રહી છે.”
સુચીના સ્થાપક અશોક મહેતાએ જણાવ્યું હતું કે, “અમે સતત બે વર્ષ સુધી સંશોધન અને વિશ્લેષણ કર્યું અને એક વર્ષમાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ કરતા પહેલા 12 દેશોનો પ્રવાસ કર્યો.” તેમના પુત્ર શીતલે કહ્યું, “આ પ્લાન્ટમાં વૈશ્વિક માપદંડો અનુસાર સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. અમે આગામી પાંચ વર્ષમાં 1200 નવી નોકરીઓ પ્રદાન કરીશું.”