નર્મદા: નાંદોદ તાલુકાના અકુવાડા ગામે જમીન માપણી અને રેકર્ડ ખરાઈ માટે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ. ગુજરાત સરકારની જમીન માપણી અને ખેતીની જમીનોના રિ-સર્વે અંતર્ગત ક્ષતિ સુધારણા માટે નર્મદા જિલ્લામાં અકુવાડા ગામની મોડેલ ગામ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તા. 31મી ડિસેમ્બર-2024 સુધીમાં ગામના ખેડૂતોની વાંધા અરજી અને જમીન માપણી અંગેની વિસંગતતા દૂર કરી ગામની જમીનના રેકર્ડ અદ્યતન કરાશે. અકુવાડા ગામના ખેડૂતોને જમીન માપણીના સર્વે સમયે પોતાના ખેતરે ખાસ ઉપસ્થિત રહી સર્વે ટીમને પુરતો સહકાર આપવા અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત સરકારની જમીન માપણી અને ખેતીની જમીનોના રિ-સર્વે અંતર્ગત ક્ષતિ સુધારણા માટે નર્મદા જિલ્લામાં અકુવાડા ગામની મોડેલ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત ગતરોજ મોડી સાંજે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું કે, રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમના ભાગરૂપે આ ગ્રામસભાના માધ્યમથી સરકાર તમારા દ્વારે એટલે કે જીલ્લા વહીવટીતંત્ર આજે અકુવાડા ગામમાં આવ્યા છીએ. નાગરિકો નિશ્ચિંત થઈને પોતાની વ્યક્તિગત રજૂઆત મૂકી જમીન દસ્તાવેજ અને માપણીને લગતી દુવિધાનું સમાધાન ઘર આંગણે મેળવી શકે છે.
ગામલોકોને અભિનંદન આપતા કલેકટરએ કહ્યું કે, આ ગામના લોકો ખરેખર નસીબદાર છે કે જિલ્લામાં રિ-સર્વે માટે મોડેલ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેથી આગામી તા. 31મી ડિસેમ્બર – 2024 સુધીમાં ગામના ખેડૂતોની સમસ્યાનું સમાધાન થશે અને ખેતીની જમીનના રેકર્ડમાં જે ક્ષતિઓ હશે તે દૂર થશે અને અદ્યતન રેકર્ડ તૈયાર થશે. પરંતુ જમીન માપણી માટે સર્વે ટીમ જેટલા દિવસ કામ કરે એટલા દિવસ ગામના ખેડૂતોની રૂબરૂ ઉપસ્થિતિ રહે અને ગામલોકોનો ટીમને જરુરી સહકાર મળી રહે તે માટે સૌને સહકાર આપવા ઉપર ભાર મૂક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અકુવાડા ગામે 297 સર્વે નંબરની ઓળખ થઈ છે. જે પૈકી 49 સર્વે નંબરમાં વિસંગાતતા જણાઈ છે. જયારે ગામના 9 જેટલા ખેડુતોએ વાંધા અરજી રજૂ કરી છે. DILR ની ટીમ દ્વારા ગામલોકોને સાથે રાખી ફરીથી જમીન માપણીની કામગીરી કરી વિસંગતતા દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. આ ગ્રામસભામાં નાયબ કલેકટર પ્રોટોકોલ અને ઈન્ચાર્જ પ્રાંત અધિકારી નાંદોદ એન.એફ.વસાવા, જિલ્લા જમીન દફતર કચેરીના અધિકારીઓ, નાંદોદના મામલતદાર પદમા ચૌધરી, નાંદોદના તાલુકા વિકાસ અધિકારી એ.જે.ચૌધરી, ગામના ચૂંટાયેલા સભ્યો અને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.