- બિલનો સ્વીકાર કરવાના સમર્થનમાં 269 જ્યારે બિલના વિરોધમાં 198 મત પડ્યા
વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું બિરૂદ ધરાવતા ભારતમાં લોકસભા અને વિધાનસભાની હયાત ચૂંટણી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન લાવનારા ‘વન નેશન વન ઇલેક્શન’નો આજે લોકસભામાં સ્વીકાર કરવામાં આવ્યો છે. બિલનો સ્વીકાર કરવાના સમર્થનમાં 269 મતો પડ્યા હતા. જ્યારે વિરોધમાં 198 મત પડ્યા હતા. વિપક્ષે ભારે હંગામો મચાવતા લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલને બહાલી આપવામાં આવી હતી. દરમિયાન શિયાળુ સત્રના વિધેયકમાં આ બિલનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલનો સ્વીકાર કરવા માટે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલે બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. આ બિલને બંધારણ (129મો સુધારો) બિલ-2024 નામ આપવામાં આવ્યું છે. લોકસભામાં બિલનો સ્વીકાર કરવા માટે અધ્યક્ષ ઓમ બિરલાએ વોટીંગ પ્રક્રિયા હાથ પર લીધી હતી. જેમાં પ્રથમ વખત હાથ પર લેવાયેલા મતદાનમાં બિલના સમર્થનમાં 220 અને બિલના વિરોધમાં 149 મતો પડ્યા હતા. પ્રથમ વોટીંગમાં બિલ સ્વીકારવાને મંજૂરી મળી ગયા બાદ બીજી વખત વોટીંગ પ્રક્રિયા હાથ પર લેવામાં આવી હતી. જેમાં બિલ સ્વીકારવાના સમર્થનમાં 269 મતો પડ્યા હતા. જ્યારે બિલના વિરોધમાં 198 મત પડ્યા હતા. સ્વીકારવાની તરફેણમાં વધુ મત પડતા ‘વન નેશન વન ઇલેક્શન’ સંબંધિત બિલને લોકસભામાં રજૂ કરવા માટે બહાલી આપવામાં આવી હતી. જેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાની પણ ભલામણ કરશે.
બિલનો વિરોધ કરતા કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચને ઘણી સત્તાઓ આપવામાં આવી છે. જો આ બિલને બહાલી આપવામાં આવશે તો ચૂંટણી પાસે કોઇ સત્તા રહેશે નહિં. એઆઇએમઆઇએમના નેતા અસદુદ્ીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે ‘વન નેશન વન ઇલેક્શન’ બિલની પ્રાદેશીક પાર્ટીઓ બરબાદ થઇ જશે. આ બિલ બંધારણના મૂળભૂત માળખાથી તદ્ન વિરૂધ્ધ છે. જેનાથી માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ ફાયદો થશે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ આ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે લોકોના વોટ અધિકાર પર હુમલો છે. આ બિલમાં ચૂંટણી પંચને ઘણી સત્તાઓ આપવામાં આવી છે. બંધારણમાં પંચ માટે જ ચૂંટણી યોજવાની વ્યવસ્થા કરવાની જોગવાઇ છે. જે ખરેખર બંધારણની વિરૂધ્ધ છે.
બિલ લોકસભામાં સ્વીકારવાને બહુમત મળતાની સાથે જ વિપક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દેતાં બપોરે 3:00 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. દરમિયાન ભાજપે પોતાના રાજ્યસભાના તમામ સાંસદો માટે એક લીટીમાં વ્હીપ જાહેર કર્યો છે. આગામી ગુરૂવારે તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
‘વન નેશન વન ઇલેક્શન’ બિલને લઇ શાસક પક્ષ, એનડીએ અને વિરોધ પક્ષ ઇન્ડિયા વચ્ચે ધમાસણ થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ગૃહની કામગીરી શરૂ થતાની સાથે જ ફરી હંગામો મચાવવાનું વિપક્ષે શરૂ કરી દીધું હતું.
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ મેઘવાલે કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાઓમાં સંશોધનનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે.અમિત શાહે કહ્યું કે જ્યારે બિલ કેબિનેટમાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલવામાં આવશે.વન નેશન, વન ઈલેક્શન બિલના વિરોધમાં સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે વન નેશન, વન ઈલેક્શન બિલ દેશમાં તાનાશાહી લાવવાનો ભાજપનો પ્રયાસ છે.