વલસાડ જિલ્લામાં GPSCની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ – 3ની ભરતી માટે જિલ્લાની 10 શાળામાં 2448 ઉમેદવારો પરીક્ષા આપશે. કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી અર્થે આયોજન કરાયું હતું. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ – 3ની જગ્યા પર ભરતી માટે તા. 22 ડિસેમ્બર 2024ના રોજ પરીક્ષા લેવાનાર હોવાથી જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
વલસાડ જિલ્લામાં રવિવારેના રોજ 10 શાળાના 102 વર્ગખંડમાં કુલ 2448 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી અર્થે બેઠક દરમિયાન કલેકટરએ સૂચના આપી હતી. જેમાં ખાસ કરીને પરીક્ષા કેન્દ્રોના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટર બંધ રાખવાના રહેશે. પરીક્ષા કેન્દ્રની આજુબાજુ બિનજરૂરી ટોળા ભેગા ન થાય, કોઈ અનઅધિકૃત વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશે નહી, પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા ચાલતી હોય તે સમયે પરીક્ષાને લગતી અનઅધિકૃત લેખના સામગ્રી પરીક્ષા કેન્દ્રમાં લઈ ન જાય તે અંગે સૂચના આપી હતી.
પરીક્ષાના આગલા દિવસે તા. 21 ડિસે.ના રોજ બેઠક વ્યવસ્થા આખરી કરવાની રહેશે. દરેક બ્લોકમાં 24 ઉમેદવારો બેસશે. પરીક્ષા સવારે 11 થી 1 વાગ્યા સુધી લેવાશે. જેથી પરીક્ષાના પેપરના 30 મીનિટ પહેલા એટલે કે 10-30 કલાકે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. 10-50 પછી કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહી. આ સિવાય પ્રવેશપત્ર ન હોય તેવા ઉમેદવારોને પણ પ્રવેશ મળશે નહી. બેઠક દરમિયાન આયોગ ભવન ગાંધીનગરથી જિલ્લાના તમામ કેન્દ્રોના પ્રશ્નપત્ર વિતરણ મેળવવા માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીની આયોગના નિરીક્ષક તરીકે જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયાની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હાં, જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલ, શિક્ષણ નિરિક્ષક બીપીન પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયા, જિલ્લા તિજોરી અધિકારી અતુલ ધોરાજીયા, વીજ કંપનીમાંથી આર.એન.નાયકા, આરોગ્ય ખાતામાંથી યોગેશ પટેલ અને પોલીસ વિભાગમાંથી તેજસ દેસાઈ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.