- નિફ્ટીમાં પણ 380 પોઇન્ટનું તોતીંગ ગાબડું
- ભારતીય શેરબજાર માટે આજે મંગળવારનો દિવસ અમંગળકારી રહ્યો છે. શેરબજાર ઉંધા માથે પટકાયું છે. રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. બેન્ક નિફ્ટીમાં પણ તોતીંગ ગાબડા પડ્યા છે.
આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 81500ની સપાટી તોડી હતી. સેન્સેક્સ આજે દિવસ દરમિયાન નીચે સરકીને 80615.20ની સપાટી સુધી ગયો હતો. જ્યારે ઉપલી સપાટી 81613.64 રહેવા પામી હતી. નિફ્ટીમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતા. નિફ્ટીએ આજે ઇન્ટ્રાડેમાં 24500ની સપાટી તોડી હતી. નીચે સરકી 24308.90 સુધી જતી રહી હતી. જ્યારે આજનું ઉપલું લેવલ 24624.10 રહેવા પામ્યું હતું. બેન્ક નિફ્ટીમાં પણ 840 પોઇન્ટથી વધુનો તોતીંગ કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ-100 પણ 380 પોઇન્ટ પટકાયો હતો. આજની મંદીમાં નાલ્કો, ઓબેરોય રીયલ ટી, યુનાઇટેડ સ્પીરીટ, વન-97 પેટીએમ, ઝોમેટો, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ, અનંત રાજ, જીઇવર્નોવા સહિતની કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે શ્રીરામ ફાયનાન્સ, ઓઇલ ઇન્ડિયા, એલઆઇસી હાઉસીંગ ફાયનાન્સ, એલએનટી ફાયનાન્સ, રિયાલન્સ, એચડીએફસી બેંક, વોડાફોન-આઇડીયા, યશ બેંક, ટાટા સ્ટીલ, એવન્યૂ સુપર માર્કેટ, ટાટા ટેકનીકલ સહિતની કંપનીઓના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. આજે શેરબજારની સાથે સાથે બૂલીયન બજારમાં પણ મંદી જોવા મળી હતી. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ સતત ચાલુ છે. આજે રૂપિયો 84.92ની ઐતિહાસિક સપાટીએ આંબી ગયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1088 પોઇન્ટના ઘટાડા સાથે 80660 અને નિફ્ટી 340 પોઇન્ટના ઘટાડા સાથે 24328 પોઇન્ટ પર ટ્રેડ કરી રહી છે.