Rajkot : ભારતીય હવામાન વિભાગે કરેલી ડીસેમ્બર મહિનાની આગાહી મુજબ ચાલુ વર્ષે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ રહેલી છે. તેમજ અત્યાર સુધીમાં રાજ્યમાં જે પ્રકારે ઠંડી પડી રહી છે, તે મુજબ ડીસેમ્બરના પ્રથમ 15 દિવસમાં ઠંડીનું જોર વધી રહ્યું છે.
શિયાળો આવતા જ તબિયત બગડી
સમગ્ર રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેમજ ઉત્તર ભારતમાં પણ શિયાળો જામ્યો છે અને હિમવર્ષા થઈ છે ત્યારે ઉત્તર ભારતના વિસ્તારો સહિત ઠંડીનો ચમકારો ગુજરાત સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત ઠંડી આવતા જ લોકોની તબિયત ઉપર નીચે અથવા તો બગડી જાય છે. ખાસ કરી શરદી ઉધરસના કેસમાં ઉછાળો નોંધાય છે.
શરદી અને ઉધરસના કેસ 1000 ને પાર
રાજકોટમાં ઠંડીનો પારો 11 ડિગ્રી નોંધાયો છે. આ દરમિયાન રાજકોટવાસીઓમાં શરદી ઉધરસના કેસો વધ્યા છે. તેમજ રાજકોટ સિવિલમાં શરદી અને ઉધરસના કેસો 1000 ને પાર થઈ ગયા છે. આ દરમિયાન ઠંડીને કારણે ગાળામાં ઇન્ફેકશન થવાથી તાવ આવવાના બનાવો પણ વધ્યા છે. તેમજ તાવના 1905 દર્દી નોંધાયા છે.
ઝાડા ઉલટીના 1896 કેસ નોંધાયા
ઋતુ બદલાતા વાતાવરણની શરીરમાં પણ ઘણા ફેરફારો આવે છે. ત્યારે બદલાતી ઋતુમાં પેટના રોગો પણ શરૂઆતના સમયે બનવા પામે છે. તેમજ શહેરમાં ઝાડા ઊલ્ટીના 1896 કેસો નોંધાય છે. આ આંકડો શરદી ઉધરસના 1000 કેસો કરતાં પણ વધુ હોવાથી પેટ માટે લોકોએ આરોગ્ય બાબતે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે.
મચ્છરજન્ય રોગોના કેસોમાં પણ વધારો
શહેરમાં ડેન્ગ્યુના વધુ 5 જેટલા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં પણ વધારો થયો છે. તેમજ મચ્છરજન્ય રોગો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વધુ થતાં હોય છે. પરંતુ હાલમાં ઠંડીમાં પણ રાજકોટમાં તેમાં વધારો જોવા મળી રહ્યો છે.
શું કરવું જોઈએ ?
શિયાળામાં બીમારીઓ વધી જાય છે. તેમજ શરદી ઉધરસ તથા તાવના કેસો વધે છે. આ દરમિયાન શિયાળાની કાતીલ ઠંડીમાં બની શકે તેટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત બહાર નીકળતી વખતે નાક,કાન અને માથું અવશ્ય ઢંકાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ તુલસી,આદું,મરી અને મધ વગેરેને મિક્સ કરીને પીવું જોઈએ તેમજ શીતોપલાદી મધુ સાથે લઈ શકાય છે. જે ગળા માટે લાભદાયી રહે છે. આ સાથે આયુર્વેદિક તથા ઘરમાં જ રહેલ વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે.