- રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં રૂરલ પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ
- મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડા હિમકરસિંહની આગેવાનીમાં પરેડ યોજાઈ : રેન્જ આઇજીએ કર્યું નિરીક્ષણ
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં ગઈકાલે રાજકોટ ગ્રામ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જે બાદ આજે સવારે મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડા હિમકરસિંહની આગેવાનીમાં પરેડ યોજાઈ હતી જેનું નિરીક્ષણ રેન્જ આઈજીએ કર્યું હતું. દરમિયાન ક્રાઇમ કોન્ફરન્સ બાદ આજથી રાજકોટ જિલ્લામાં વ્યાજંકવાદીઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે તેવું
જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાઈ હતી. જેમાં વર્ષ દરમિયાન બનેલા ગુના, ડિટેક્શન, ગુનાખોરીના ગ્રાફ, પ્રિવેન્ટિવ પગલાં સહીતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ આજથી રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના દુષણ સામે ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજથી રૂરલ વિસ્તારમાં વ્યાજખોરોને ભરી પીવા તમામ પોલીસ મથકોને સૂચના આપી દેવામાં આવશે. જે અંગે જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, આજથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલાં અરજદારો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી શકે છે. પોલીસ અરજદારોને ચોક્કસથી વ્યાજના ભરડામાંથી બહાર કાઢી વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, એકથી વધુ વાર વ્યાજખોર તરીકે પોલીસ ચોપડે ચડનાર શખ્સ વિરુદ્ધ પાસા સહીતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત આજે સવારે મવડી ખાતે આવેલ રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરેડનું નિરીક્ષણ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. પરેડમાં રાજકોટ ગ્રામ્યના એસપી, ડીવાયએસપી, પ્રોબેશનલ એએસપી, પીઆઈ સહિતના અધિકારી-કર્મચારીઓ, ડોગ સ્કવોડ અને ઘોડે સવાર પોલીસ હાજર રહી હતી.
હત્યા સહિતના ગંભીર ગુનામાં 30% સુધીનો નોંધપાત્ર ઘટાડો
જિલ્લા પોલીસવડા હિમકરસિંહના જણાવ્યા અનુસાર રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાખોરીના ગ્રાફ સહીતની ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખૂન, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી સહિતના ગંભીર ગુનાઓમાં 5% થી 30% સુધીનો નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે.
મહિલાઓ પ્રત્યેના ગુનાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ
જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ બને તેના માટે ગ્રામ્ય પોલીસ કામ કરી રહી છે. ત્યારે મહિલાઓની સુરક્ષા માટે પોલીસ કટીબદ્ધ હોય ત્યારે મહિલાઓ પ્રત્યેના ગુનાઓ ઘટાડવા માટે રૂરલ પોલીસ ખાસ ઝુંબેશ હેઠળ કામગીરી કરનાર છે.
અરજદારો એપોઇન્ટમેન્ટ વિના મળવા આવી શકે છે : હિમકરસિંહ
રાજકોટ જિલ્લા પોલીસવડા તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ હિમકરસિંહે જાહેર કર્યું હતું કે, અરજદારો એપોઇન્ટમેન્ટ વિના મને કામના દિવસોમાં મળવા આવી શકે છે. ત્યારબાદ આજે પણ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, વ્યાજખોરીની ફરિયાદ સહિતના મુદ્દે નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી શકે છે અને જરૂરિયાત પડ્યે અરજદારો મને મળીને પણ રૂબરૂ રજુઆત કરી શકે છે.