- બાઈક સાથે બે શકમંદો સીસીટીવીમાં નજરે ચડ્યા પોલીસે તપાસ શરૂ કરી
અમરેલી જિલ્લામાં શિયાળાની ઋતુમાં બંધ મકાનોમાં તસ્કરોએ હાથ સાફ કરવાનું શરૂ કર્યું છે. અને અમરેલી જિલ્લા માં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ ગેંગ બંધ મકાનોને સૌથી પહેલા નિશાન બનાવી રહ્યા છે. અત્યાર સુધી રાત્રીના ચોરીઓ કરતા હતા, પરંતુ હવે પોલીસનો પણ ડર ના હોય તેમ આજે દેરડી (જાનબાઈ) ગામે ત્રણ મકાનોમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા પોલીસની ઊંઘ ઉડી ગઈ છે. લાઠી તાલુકામાં આવેલ ગામ દેરડી(જાનબાઈ) ગામમાં ધોળા દિવસે ભર બપોરે ઘરફોડ ચોરીની ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.દેરડીના પરષોત્તમભાઈ ભુપતભાઇ જીંજરીયાએ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે.અજાણીયા ઈસમો દ્વારા બપોર વચ્ચે દીવાલ ટપીને આવેલા ઈસમોએ રૂમના બંધ દરવાજાના તાળા તોડી રૂમમાં રાખેલી તિજોરીના લોકતોડી તિજરીમાં રાખવામાં આવેલા સોનાની બુટી એક જોડી, આશરે રૂ.35,000 સાથે રોકડા રૂ.30,000ની ચોરી કરવામાં આવી આ ઉપરાંત ધીરુભાઈ બીજલભાઈ બારૈયાના રહેણાંક મકાનના તાળા તોડી એક તોલાના સોનાના કાપ આશરે કિંમત રૂ.35,000 સાથે રોકડા રૂ.30,000ની ચોરી થઈ ગયાનું પણ જણાવ્યું છે. તેમજ બાજુમાં લક્ષીબેન રવજીભાઈ પરમારના રહેણાંક મકાનમાં પણ તાળું તોડી અનાજ ભરવાની પેટીમાં રોકડા રૂપિયા 45,000 તેમની દીકરીના પાકિટમાં રૂ.7,000 હતા એ અને સોનાના દાગીના કિંમત 52,000 તથા રોકડ રૂ.1,22,00 મળી કુલ મળી ચોરીનો મુદામાલ રૂ.1,74,000ની ચોરી થયાની લાઠી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પી.આઈ. એચ.જે. બરવાડીયા સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે શંકાસ્પદ ઇસમો બાઇક પર ભાગતા જોવા મળ્યા છે, હાલ સીસીટીવી કેમેરાના આધારે મળેલા ફૂટેજની તપાસ હાથ ધરી છે પરંતુ ચોરી કરનારા ઇસમો હજુ સુધી પોલીસ પકડમા નથી આવ્યા શંકાસ્પદ ઇસમોની કોઈ જાણકારી નહિ મળતા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. લાઠી તાલુકામાં અગાઉ થોડા દિવસો પહેલા જરખીયા ગામે મંદિરમાં ચોરી થઈ હતી સાથે બાજુના ગામમાં પણ ચોરો ખાબક્યા હતા જોકે અમરેલી પોલીસે આ મંદિરોમાં ચોરી કરતા આરોપીઓને પકડી પાડવામાં સફળતા પણ મળી ગઈ છે ત્યારે લાઠીમાં વધુ એક ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, ત્યારે ચોરી કરનારા ઇસમોને ઝડપવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા તાપસ તેજ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.