- શાળા – કોલેજોમાં જઇ યુવાનોને વ્યસનથી દુર રહેવા આઇએમએની ટીમ આપ્યું માર્ગદર્શન
ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (આઈ.એમ.એ.) રાજકોટ ના વર્ષ 2024-25 ના પ્રેસિડેન્ટ ડો. કાન્ત જોગણીની પ્રેરણાથી આ ટીમે એક અત્યંત અલગ જ પ્રકારની અને સમાજ માટે ખુબ જ ઉપયોગી તેવી પ્રવૃત્તિ હાથ પર ધરેલ છે. આ પ્રવૃત્તિ અન્વયે આઈ.એમ.એ. રાજકોટના વોલેન્ટીયર્સ એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ વિવિધ સ્કૂલો તેમજ કોલેજોમાં જઈ અને યુવા વયના વિદ્યાર્થીઓને કોઇપણ જાતના વ્યસનો શું કામ ન રાખવા, વ્યસનથી થતા પ્રશ્નો કઈ રીતે વ્યસનથી બચવું, વ્યસનના રવાડે કઈ રીતે ચડી જવાય છે અને અને તેનાથી શું પ્રશ્નો થાય છે વગેરે જેવી બાબતો માટે માહિતગાર કરવાનો એક કાર્યક્રમ હાથ ધરેલ છે.
ડો. કાન્ત જોગાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના યુવાનોમાં અને સ્કૂલોમાં આજકાલના દિવસોમાં વધતું જતું વ્યસનનું દુષણ એક ચિંતા ઉપજાવનારી બાબત છે. જેને ધ્યાનમાં લઇ આઈ.એમ.એ. ના મેમ્બર ડોક્ટરોએ આ બીડું ઝડપેલ છે કે બને તેટલા વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને એમને મેસેજ આપવો, વોલેન્ટીયર્સ ડોક્ટરોની ટીમ તૈયાર કરી છે, જેઓ જે-તે કોલેજમાં કે સ્કૂલમાં જઈ અને વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ ઇંટરેકશન કરે અને માર્ગદર્શન આપે અને આ બાબતે વધુ માર્ગદર્શન મેળવે.
આઈ.એમ.એ. રાજકોટના સેક્રેટરી ડો. અમિષ મહેતા વધુમાં જણાવે છે કે કે તેઓની ટીમે અંદાજે 10 ડોક્ટરોની વોલેન્ટીયર્સ ટીમ તૈયાર કરેલ છે. જેના મેમ્બર્સરૂપે ડોક્ટર્સ અંદાજે 30 થી 40 મિનીટસના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે જે-તે કોલેજમાં અથવા સ્કૂલમાં તેમણે આપેલા સમયે વિદ્યાર્થીઓ સાથે ઇંટરેકશન માટે જાય છે. આ સેશન દરમિયાન વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નો રજુ કરવાનો, આ બાબતને ઊંડાણ પૂર્વક સમજવાનો તથા એક્સપર્ટ પાસેથી અભિપ્રાય અને સમજ મેળવવાનો એક અલગ જ પ્રકારનો તેમને અનુભવ મળે છે. આઈ.એમ.એ. રાજકોટ દ્વારા થતી સમાજ ઉપયોગી પ્રવૃતિઓના ભાગ રૂપે ચાલુ થયેલ આ કાર્યવાહી અંગે તેઓ વધુમાં જણાવે છે કે આઈ.એમ.એ. સતત અને હંમેશા સમાજ ઉપયોગી કાર્યો માટે અને સમાજમાં લોકોને જાગૃતતા ફેલાવવા માટે હંમેશા કટિબદ્ધ છે અને આ ભાગરૂપે આ વર્ષે અમારી ટીમ સમાજના લોકો સુધી અલગ અલગ સ્વરૂપે પહોંચવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.
વ્યસન મુક્તિના ઉપાયો ના ટાઈટલ અંતર્ગત ચાલતી આ પ્રવૃતિના ચીફ કો-ઓર્ડિનેટર ડો.નીમા સીતાપરા છે, જેઓ પીડીયાટ્રીશીયન હોવાની સાથે સાથે છે. આ સાથે વધુમાં ડો. અમિષ મહેતાએ જણાવ્યું છે કે સમાજની કોઇપણ સંસ્થા અથવા કોઇપણ સ્કૂલ અથવા કોલેજ જો આ પ્રવૃત્તિમાં ભાગ લેવા ઈચ્છતી હોય તો તેઓ વિના સંકોચે અમારી ટીમના કોઇપણ ડોકટરનો સંપર્ક કરી શકે છે. ડો.અમિષ મહેતા (મોબાઈલ નં.99251 34899) અથવા ડો. નીમા સીતાપરા (મોબાઈલ નં.98248 64888) નો સંપર્ક કરી તેમનો સમય મેળવી શકાય અથવા આ બાબત અંગે વધુ માહિતી માટે ચર્ચા કરી શકાય તેમ છે. તેઓનો સમાજને સંદેશ છે કે આ પ્રવૃતિનો વધુમાં વધુ લોકો લાભ લે જેથી વ્યસન મુક્તિ ઉપાયોની દિશામાં આપણે એક પગલું આગળ ભરી શકીએ. આ પ્રવૃત્તિ હાલમાં શાળાના બાળકો તથા કોલેજના વિદ્યાર્થીઓને અનુલક્ષીને છે, પરંતુ સમાજના કોઇપણ વર્ગ માટે આઈ.એમ.એ. રાજકોટના વોલેન્ટીયર્સ ડોક્ટર્સ આ પ્રવૃત્તિ કરવા માટે પ્રતિબદ્ધ છે અને વિના સંકોચે આ બાબત માટે તેમનો સંપર્ક કરી શકાય તેમ છે.