- રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતલક્ષી નિર્ણય
- છઠ્ઠા પગાર પાંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો કરાયો વધારો
રાજ્ય સરકારે તાજેતરમાં 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. તેમજ હવે, સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 7 % નો વધારો આપવાની જાહેરાત કરી છે. આ કર્મચારીઓ-પેન્શનરોને અત્યારે 239 % મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર છે. આ ઉપરાંત તેમાં હવે રાજ્ય સરકારે 1લી, જુલાઈ-2024ની અસરથી 7 %નો વધારો જાહેર કરતાં આવા કર્મચારીઓને માસિક મોંઘવારી ભથ્થું 246 % મળવાપાત્ર થશે.
સરકારી કર્મચારીઓના કિસ્સામાં તેમને ડિસેમ્બર-2024થી 246 % મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવાશે, પરંતુ સરકારે તે 1લી જુલાઈ-2024ની અસરથી અમલમાં મૂકવાની જાહેરાત કરી હોવાથી જુલાઈથી નવેમ્બર-2024 સુધીના 5 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ડિસેમ્બર-2024ના પગારની સાથે અર્થાત જાન્યુઆરી-2025ના પગારની સાથે ચૂકવાશે. આ ઉપરાંત જ્યારે રાજ્ય સરકાર હસ્તકના જે પેન્શનરો છે, તેમને પણ જુલાઈ-2024થી નવેમ્બર-2024 સુધીના 5 માસના તફાવતની મળવાપાત્ર હંગામી રકમ જાન્યુઆરી-2025માં રોકડમાં ચૂકવાશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને 1લી જાન્યુઆરી-2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો-2016 લાગુ કરવામાં આવ્યા છે. નવા પગાર ધોરણો ઉપર 1લી, જાન્યુઆરી-2016થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતો વખત વધારો મંજૂર કરાય તો તે લાગુ કરાય છે, પરંતુ જે સરકારી કર્મચારીઓ કે પેન્શનરોને આ નિયમો લાગુ પડતા નથી. તેમને ગુજરાત રાજ્ય પગાર સુધારણા નિયમો-2009 લાગુ પડે છે. આ ઉપરાંત તેવા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થાના દરમાં વધારો લાગુ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતો. તે મુજબ સરકારે હવે તેનો નિર્ણય 16મી, ડિસેમ્બર-2024ના સોમવારે લીધો છે.
239 % મોંઘવારી ભથ્થું મળતું હતું, હવે 246 % મળશે
છઠ્ઠા પગારપાંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને 1લી, જાન્યુઆરી-2024ની અસરથી 239 % મુજબ હાલ મોંઘવારી ભથ્થું મળે છે. તેવા કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થામાં 7 %ના વધારા સાથે એટલે કે હવે તેમને 1લી, જુલાઈ-2024ની અસરથી 246 % મુજબ માસિક મોંઘવારી ભથ્થું મળશે.
કોને-કોને આ લાભ મળશે?
જે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે, તેમજ તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી બિન-સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા, નિયમો-2009 હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવતા હોય તેઓને સરકારના આ નિર્ણયની જોગવાઇ મુજબ વધારો મળવાપાત્ર થશે.