- રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં
- 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો : 99.89 ટકા અરજીનો નિકાલ
- 23સેવાઓથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં
- હાલમાં કુલ 55 જેટલી સેવાઓથી નાગરિકો લાભાન્વિત
‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતના ગ્રામીણ અને શેહરી વિસ્તારોમાં યોજવામાં આવતો ‘સેવા સેતુ’ કાર્યક્રમ. રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના અત્યાર સુધી યોજયેલા કુલ 10 તબક્કામાં અંદાજે 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ આપીને સરકાર ‘આપણા દ્વારે’ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુશાસનની પરિપાટિ પર ગુજરાતમાં વર્ષ ૨૦૧૬થી ‘સેવા સેતુ કાર્યક્રમ’ શરૂ કરવામાં આવ્યો હતો. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ઘર આંગણે જ વિવિધ પ્રકારની લોકોપયોગી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016 માં માત્ર 23 સેવાઓથી શરૂ કરેલા આ કાર્યક્રમમાં હાલ 13 જેટલા વિભાગની યોજનાઓનો સમાવેશ કરીને કુલ ૫૫ જેટલી સેવાઓનો લાભ છેવાડા નાગરિકો સુધી પહોચાડવામાં આવી રહ્યો છે.
સેવા સેતુ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3,07,63,953 અરજીઓ મળી હતી, જે પૈકી 3,07,63,953 અરજીઓ એટલે કે, 99.89 ટકા અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગત તા. 31 ઓક્ટોબર 2024 એ સેવા સેતુ કાર્યક્રમનો ૧૦મો તબક્કો પૂર્ણ થયો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં તાલુકા દીઠ 03 કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દીઠ ૦૨-૦૨ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિસેમ્બર 2023 થી જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં યોજાયેલ 09 તબક્કામાં ગ્રામીણ અને શેહરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જે રાજ્યના સુશાસનમાં યશકલગી સમાન છે.
સેવા સેતુ કાર્યક્રમમાં કુલ ૫૫ સેવાઓનો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. જેમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા, મહેસૂલ, શ્રમ અને રોજગાર, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, બંદરો અને વાહન વ્યવહાર, સામાજિક ન્યાય અને અધિકારીતા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ અને ખાણ, પ્રવાસન, મહિલા અને બાળવિકાસ વિભાગ જેવા વિવિધ વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે.
સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અપાતી મુખ્ય સુવિધા- યોજનાઓ
સેવા સેતુ કાર્યક્રમમાં ઘર આંગણે 18 વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે આધાર નોંધણી, આધાર કાર્ડમાં સુધારા (અપડેશન), રાશન કાર્ડમાં ફેરફાર, રેશનકાર્ડ ધારકોની e-KYC, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.એમ.જે.મા (અરજી), મેડીકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, જન્મ-મરણના અને ભ્રમ નોંધણી પ્રમાણપત્ર. ઉપરાંત આધાર કાર્ડ, મોબાઈલ નંબરનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા, અટલ પેન્શન યોજના, વ્યવસાય વેરા (અરજી), સાતબાર/આઠ-અ’ના પ્રમાણપત્રો આપવામાં આવે છે.
આ ઉપરાંત આવકનો દાખલો, નોન ક્રીમીલેયર, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ માટે બસ કન્સેશન પાસ, UDID કાર્ડનું રજીસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓની અરજી, પ્રોપર્ટી ટેક્ષ, ગુમાસ્તા ધારા, પ્રધાનમંત્રી આવાસ યોજના, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર વ્યવસાય વેરો તેમજ વિધવા સહાય વગેરેની સેવાઓનો નાગરિકોને લાભ આપાય છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈનો જન્મ દિવસ એટલે કે તા. 25 મી ડિસેમ્બરને દર વર્ષે દેશભરમાં ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેમની યાદમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી તા. 19 થી 25 ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે.