સુરતના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.20, 21 અને 22મી ડિસેમ્બર દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સુરત સર્કિટ હાઉસ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ અવસરે ધારાસભ્ય સંદિપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તેવા આશયથી રાજય સરકાર દ્વારા ત્રિ-દિવસીય સુવાલી બીચ ફેસ્ટીવલ-2024નું બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ડુમ્મસ બીચના વિકાસ સાથે સાથે સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી-સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા-તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. બીચ ફેસ્ટિવલ તા. 20મી સાંજે 4.30 વાગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
આ અવસરે પ્રખ્યાત લોક ગાયીકા કિંજલ દવે દ્વારા લાઈવ પર્ફોમન્સ આપી લોકોને મનોરંજન પુરૂ પાડશે. તા. 21મીએ ગોપાલ સાધુ લોક-ડાયરો તથા તા. 22મીએન સ્થાનિક કલાકાર તરફથી ગઝલ સંધ્યા અને ટેરીફિક બેન્ડના લાઈવ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંટ અને ઘોડેસવારી, ફુડ કોર્ટ, ક્રાફટ સ્ટોલ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે. સુવાલી બીચ ફેસ્ટિલ માટે સહેલાણીઓને આવન જાવન કરી શકે તે માટે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ તથા બી.આર.ટી.એસ સેલ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના વિવિધ ૨૫ રૂટ ઉપરથી તા. 20, 21 અને 22મી ડિસેમ્બરે સુવાલી બીચ જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
સુવાલી બીચ ક્રાર્યક્રમ સ્થળે અનિશ્ચનિય બનાવ ન બને તે માટે ફાયર, તરવૈયા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અલગ અલગ પાંચ પાર્કિંગના પ્લોટ ઉભા કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે અંદાજીત કુલ રૂ. 28 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સૂચિત સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. SUDA- સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગત બજેટમાં રૂ.20 કરોડ સુવાલી બીચના વિકાસ માટે મંજૂર કરવામાં આવ્યા છે. સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવ્યો છે. જેની સાથે સુવાલી બીચ ખાતે ગેસ્ટ હાઉસ તેમજ શૌચાલયો બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન કરાયું છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી-ડાંગી ડિશ-ઉંબાડિયુ જેવી પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ વાનગીઓના 100 ફુડ સ્ટોલ અને શોપીંગ માટે ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરવામાં આવશે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન ઉભા કરાશે.વિશેષત: બીચ ફેસ્ટિવલમાં ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર અને ડિઝાઈનર સંસ્થા ‘Fly-૩૬૫’દ્વારા માસ અવેરનેસની થીમ સાથે કાઈટ ફ્લાઈંગ એક્ટિવિટી યોજાશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય સંદિપ દેસાઈ, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, નાયબ વનસંરક્ષક આનંદ કુમાર, નાયબ વનસંરક્ષક (સામાજિક વનીકરણ) સચિન ગુપ્તા, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, મામલતદાર, પોલીસ અધિકારીઓ સહિત સર્કલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ પહેલા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બીચ ફેસ્ટિવલના આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.