- કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરીમાં આધાર કાર્ડ અને જન્મ-મરણના દાખલા માટે આવતા લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર: આધારના નવા નિયમના કારણે જન્મ-મરણ વિભાગની કામગીરી પણ વધી ગઇ
- સરકાર દ્વારા નિયમોમાં સતત ફેરફાર કરવામાં આવતા હોવાના કારણે દેશમાં સામાન્ય નાગરિક કતારમાં ઉભા રહેવાની પળોજણમાંથી મુક્ત થતો નથી. આધાર કાર્ડ મેળવવા માટે બાળકના જન્મ-મરણના દાખલામાં માતા-પિતાનું પુરૂં નામ હોવું જોઇએ. તેવો નિયમ અમલમાં આવ્યા બાદ લોકોની લાચારી વધી ગઇ છે.
અરજદારો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બની ગયા છે. આજેપણ કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કાર્ડ અને જન્મ-મરણના દાખલા માટે અરજદારોની લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. છેલ્લા ઘણા મહિનાથી આ સ્થિતિનું નિર્માણ સર્જાયું છે છતાં ભાજપના શાસકો કેન્દ્ર કે રાજ્ય સરકાર સમક્ષ આ અંગે કોઇપણ પ્રકારની રજૂઆત કરતા નથી. જેના પાપે અરજદારો કલાકો લાઇનમાં રહેવા મજબૂર બની ગયા છે. ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવતી નથી. પરિણામે એવું પણ બને છે કે જન્મના દાખલા કે આધાર કાર્ડ મેળવવા માટે આખો દિવસનો સમય પણ ઓછો પડે છે. શનિ-રવિની રજા બાદ આજે સરકારી કચેરીઓ ખૂલતાની સાથે જ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન સહિતની ત્રણેય ઝોન કચેરી ખાતે જન્મ-મરણના દાખલા અને આધાર કાર્ડ મેળવવા માટે અરજદારોની લાંબી કતારો લાગી હતી. કોરોનાની બીજી લહેર બાદ જન્મ-મરણ વિભાગમાં ડેથ સર્ટિફીકેટ મેળવવા માટે લોકોની લાઇન છેક દરવાજા સુધી પહોંચતી હતી. આજે કંઇક આવો જ સિનારિયો જોવા મળ્યો હતો. આધાર અને જન્મ-મરણ એમ બંને વિભાગો પર લોકોની લાંબી કતારો લાગી હતી.
આધાર કાર્ડ માટે થોડા મહિનાઓ પહેલા નવો નિયમ અમલમાં આવ્યો છે. જેમાં આધાર કાર્ડ મેળવવા માટે જન્મના દાખલામાં બાળકનું નામ અને તેના માતા-પિતાનું નામ પુરેપૂરૂં લખેલું હોવું જરૂરી છે. આ નિયમના કારણે અરજદારોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. જન્મના દાખલામાં સુધારો કરવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે અને ત્યારબાદ આધાર કાર્ડ માટે પણ ફરી લાઇનમાં ગોઠવાઇ જવું પડે છે. આધાર કાર્ડમાં ફરી ટોકન સિસ્ટમ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે. બીજી તરફ આધારના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ભોગ જન્મ-મરણ વિભાગનો સ્ટાફ બની રહ્યો છે. અરજદારો એવી ફરિયાદ કરી રહ્યા છે કે જન્મના દાખલા વ્યવસ્થિત કાઢી આપવામાં આવતા નથી. જેના કારણે તેઓએ કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે. ખરેખર રોજ કતારોમાંથી મુક્તિ માટે શાસકોએ ગંભીરતા દાખવવી જોઇએ અને સરકારમાં યોગ્ય રજૂઆત કરવી જરૂરી બની ગઇ છે.