- હવે ઓનલાઈન પ્લેટફોર્મે થકી કેસ ફાઈલ કરી શકાશે
- ગુજરાત તાલુકા ફેમિલી કોર્ટો બની હાઈબ્રિડ
- આ નિર્ણય લેનાર ગુજરાત હાઈકોર્ટ દેશમાં પ્રથમ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા ફેમિલી કોર્ટો માટે ડિજિટલ હાઈબ્રીડ સુનાવણી પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ હવે તાલુકા કક્ષાની ફેમિલી કોર્ટ પણ ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવી છે. ત્યારે કોઈપણ પક્ષકારો કે વકીલને જિલ્લા વડામથક કે તાલુકા કલસ્ટર વડામથક સુધી કેસ ફાઈલ કરવા માટે લાંબા નહીં થવુ પડે અને તેઓ જ્યાં હશે ત્યાંથી જ સીધા ઓનલાઇન પ્લટફોર્મ થકી પોતાના કેસ ફાઈલ કરી શકશે. આ દરમિયાન તાલુકા ફેમિલી કોર્ટોમાં ડિજિટલ હાઈબ્રીડ સુનાવણીનું પ્લેટફોર્મ પૂરું પાડનાર ગુજરાત હાઈકોર્ટ દેશમાં સૌપ્રથમ હાઈકોર્ટ બની છે.
ફેમીલી કોર્ટોના હાઈબ્રીડ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન
તાજેતરમાં સ્થપાયેલ તાલુકા ફેમિલી કોર્ટોના અધિકારક્ષેત્રને વિસ્તારવામાં આવ્યું છે અને તમામ તાલુકાઓને તેમના સંબધિત જિલ્લા હેઠળ આવરી લેવાયા છે. તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા ફેમીલી કોર્ટોના આ હાઈબ્રીડ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, રાજ્યમાં 73 તાલુકા ફેમિલી કોર્ટોના સમૂહ કે જેમાં ફેમિલી કોર્ટના ન્યાયાધીશો મહિના દરમિયાન જુદા-જુદા દિવસો અને તારીખે બેઠકના સમયપત્રક મુજબ વિવિધ તાલુકા ફેમિલી કોર્ટની અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત તેઓ હાઈબ્રીડ અને ઓનલાઈન સુનાવણી હાથ ધરશે. તેમજ આ નવા પ્રોજેક્ટમાં ગુજરાત સ્કેનિંગ વર્કફલો ઓટોમેશન સીસ્ટમના ઉદ્ધાટન સાથે જ તાલુકા ફેમીલી કોર્ટોમાં ડિજિટલ કેસ ફાઈલ કરવા અધિકૃત સ્કેન વર્ઝનની સુવિધા પ્રાપ્ય બનશે.
તાલુકા કોર્ટોમાં વીડિયો કોન્ફરન્સિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ
આ દરમિયાન વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘આ હાઈબ્રીડ સીસ્ટમના ભાગરૂપે સંબંધિત પ્રિસાઇડીંગ ઓફિસર કે ન્યાયાધીશ કોઈપણ તાલુકા કોર્ટમાંથી ઓનલાઈન સુનાવણી હાથ ધરી શકશે. આ માટે તમામ તાલુકા ફેમીલી કોર્ટોને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેના કારણે સીમલેસ વર્ચ્યુઅલ સુનાવણી વકીલો-પક્ષકારો માટે હવે શરૂ થઈ ગઈ છે. તેમજ રિમોટ એડજ્યુડીકેટીંગ કોર્ટોના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ હાઇબ્રીડ સુનાવણી સામાજિક પરિપ્રેક્ષ્યના હેતુને તાલુકા ફેમીલી કોર્ટોમાં આ પહેલ સાર્થક કરશે.
સ્કેનિંગ અને ડિજિટાઈઝેશન માટે ઈન હાઉસ સોફ્ટવેર વિકસાવાયુ
તાલુકા ફેમીલી કોર્ટોમાં ડિજિટાઈઝડ કેસ વાઈઝ અપલોડીંગ માટે ખાસ પ્રકારે ઈન હાઉસ સોફ્ટવેર સોલ્યુશન વિકસાવવામાં આવ્યું છે. તેમજ આ સોફ્ટવેર ઇન હાઉસ સ્કેનીંગ અને ડિજિટાઈઝેશનના માળખા પર આધારિત છે. ડિજિટાઈઝેશન કેસ ફાઈલ PDF ઈ-કેસ ફાઈલ બુક માર્કસ તરીકે દસ્તાવેજોના પ્રકાર અને ઇન્ડેક્સ સાથે ઉપલબ્ધ બની શકશે. તો અરજીથી લઈ રોજિંદા હુકમો, પ્રોસેસ, રિપ્લાય, રિટન સબમીશન, પુરાવાની જુબાની વગેરે પણ ડિજિટાઇઝેશન સ્વરૂપમાં અને અપલોડ કરી ઉપલબ્ધ બનાવાશે. આ દરમિયાન ડે ટુ ડે અપડેશન પણ કરવામાં આવશે.