- માણેકચંદ્રજી મ.સા.ની 102મી પુણ્ય સ્મૃતિ અવસર નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યમાં ભક્તિભાવથી ઉજવાયો
જેમની વિદાયના 102 વર્ષના લાંબા સમય બાદ પણ દેશ- પરદેશના હજારો ભાવિકો એમને હાજરાહજૂર, પ્રત્યક્ષ અને પ્રગટ પ્રભાવક સ્વરૂપે અનુભવી રહ્યાં છે એવા ગોંડલ સંપ્રદાયના પ્રગટ પ્રભાવક મહાપુરૂષ તપસ્વી ગુરુદેવ પૂજ્ય માણેકચંદ્રજી મહારાજ સાહેબની 102મી પુણ્ય સ્મૃતિનો અવસર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંત – સતીજીઓના સાંનિધ્યે જેતપુર ખાતે ભક્તિભાવથી ઉજવાયો હતો.
જેમના નામ સ્મરણ માત્રથી શ્રદ્ધાવંત ભાવિકોના જીવનની વિપતિઓ ટળી જાય છે એવા આ તપસ્વી ગુરુદેવની પુણ્ય સ્મૃતિ અવસરે ગોંડલ સંપ્રદાયના ગુરુ પ્રાણ પરિવારના સદાનંદી સુમતિબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય અજિતાબાઈ મહાસતીજી આદિ, સુનિતાબાઈ મહાસતીજી આદિ એવમ પરમ પવિત્રાજી મહાસતીજી આદિ ઠાણા તેમજ રાજકોટ, ગોંડલ, વેરાવળ, જુનાગઢ, જામનગર, ધારી, પોરબંદર, સાવરકુંડલા આદિ સમગ્ર સૌરાષ્ટ્રના સંઘો તેમજ બહોળી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ગુરુ ચરણમાં ભક્તિભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તપસ્વી ગુરુદેવને આજે પણ સાક્ષાત્કારની અનુભૂતિ કરાવી રહેલાં એક મહાપુરૂષ તરીકે ઓળખાવીને પરમ ગુરુદેવે આ અવસરે ફરમાવ્યું હતું કે, પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પણ જેમનો પ્રભાવ ન અનુભવાતો હોય એવા આ જગતના મોટા ભાગના લોકોની વચ્ચે કોઈક એવા મહાપુરૂષો હોય જેમની વિદાયના 102 વર્ષ પછી પણ હજારો હૃદય એમની પ્રગટ પ્રભાવકતા અને પ્રત્યક્ષતાનો અનુભવ કરતાં હોય છે. એવા મહાપુરૂષોની ઉપસ્થિતિ તો એમની સિદ્ધિઓનું પરિચય કરાવી જ દેતી હોય પરંતુ એમની વિદાય પછી પણ એમની સિદ્ધિઓની પ્રસિદ્ધિ અનુભવાતી હોય એવા મહાપુરૂષોનું એવા ગુરુવર્યોનું સાચા હૃદયની ભક્તિ સાથે કરેલું નામ સ્મરણ માત્ર પણ અધૂરા કાર્યને પૂર્ણ કરાવીને ગમે એવી વિકટ પરિસ્થિતિમાંથી પણ સહજતાથી બહાર લાવી દેનારૂં હોય છે. ગુરુ એ જ હોય જેમની અમી દ્રષ્ટિ સદા સર્વ પર એક સમાન જ વરસતી હોય પરંતુ ઝીલતા આવડે એનો ખોબો પણ ભરાય અને ઝીલતા આવડે એનો ખોળો પણ ભરાય જતો હોય.
તપસ્વી ગુરુદેવને સહુના કષ્ટોના કાપનારા અને સહુના તારણહારા સ્વરૂપે ઓળખાવીને અજિતાબાઇ મહાસતીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તપસ્વી ગુરુદેવનો જન્મ તે ન માત્ર સંઘ, સમાજ કે સંપ્રદાય માટે ઉપકારક હતો પરંતુ સમગ્ર જિનશાસન માટે ઉપકારક હતો. તપસ્વી ગુરુદેવ જેવા મહાપુરૂષોને પામવું તે આપણું પરમ સૌભાગ્ય છે આવા સુંદર ભાવો સાથે પૂજ્ય અમિતાબાઈ મહાસતીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગુરુદેવની પ્રેરણાથી આ અવસરની સ્મૃતિમાં જેતપુરના જરૂરીયાતમંદ સાધર્મિક પરિવારો માટે રૂપિયા 11 લાખનું અનુદાન જાહેર કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો.