ટ્રેન સંચાલકો અને વન વિભાગના ટ્રેકર્સ વચ્ચેના સંયુક્ત પ્રયાસોથી વર્ષ દરમિયાન 104 સિંહોનું રક્ષણ કરાયું
ગુજરાત સિંહોનું ઘર છે. અહીં એશિયાટિક સિંહની વસ્તી સૌથી વધુ જોવા મળે છે. ત્યારે સિંહો લટાર મારતા રેલવે ટ્રેક પર આવવાની ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. જેના કારણે ઘણી વખત સિંહોના અક્સ્માત થતાં તેઓના મૃત્યુ પણ થતાં હોય છે જેને અટકાવવા રેલવે વિભાગ સતત કાર્યરત છે. અને સિંહોને બચવવા માટે કવાયત હાથ ધરતા જરૂરી પગલાં લેવા માં આવ્યા છે. ત્યારે ટ્રેન સંચાલકો અને વન વિભાગના ટ્રેકર્સ વચ્ચેના સંયુક્ત પ્રયાસોથી વર્ષ દરમિયાન 104 સિંહોનું રક્ષણ કરી તેઓનો જીવ બચાવવામાં આવ્યો છે. ઉપરાંત છેલ્લા 2 દિવસમાં 8 સિંહોનો રેલવે ટ્રેક પર બચાવ કરવામાં આવ્યો છે.
જે મૂજબ વનવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ રવિવારના રોજ સુરેન્દ્રનગરના લોકો પાયલોટ ધવલ પીએ રાજુલા સિટી-પીપાવાવ સેક્શન પર પાંચ સિંહોને રેલવે ટ્રેક ક્રોસ કરતા જોયા હતા. હાપા-પીપાવાવ પોર્ટ માલસામાન ટ્રેન ચલાવતા ધવલે ઈમરજન્સી બ્રેકનો ઉપયોગ કરીને તેને અટકાવી અને બોટાદમાં ટ્રેન મેનેજર (ગાર્ડ) લોકેશ સાહને જાણ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા. અને સિંહોની સુરક્ષાની પુષ્ટિ કર્યા બાદ ટ્રેને ફરી તેની યાત્રા શરૂ કરી હતી.
એ જ રીતે, શનિવારે જૂનાગઢના લોકો પાયલોટ સુનિલ પંડિતે ચલાલા-ધારી સેક્શન પર બે બચ્ચા સાથે એક સિંહણને રેલવે ટ્રેક ક્રોસ કરતી જોઈ. પંડિતે તાત્કાલિક અમરેલી-વેરાવળ પેસેન્જર ટ્રેનને અટકાવી અને જૂનાગઢમાં ટ્રેન મેનેજર વિદ્યાનંદ કુમારને સૂચના આપી. વન રક્ષકોએ ખરાઈ કરી કે સિંહો પાટા પર થી જતા રહ્યા છે એ બાદ ટ્રેને તેની મુસાફરી ફાઈ શરૂ કરી હતી.
ટ્રેનના પાટા પર સિંહોના મૃત્યુની ચિંતા વધી રહી છે ત્યારે ભાવનગર ડિવિઝને એવી ટેક્નોલોજી મૂકવાનું શરૂ કર્યું છે કે જે રીઅલ-ટાઇમમાં ટ્રેકની નજીકની હિલચાલ શોધી શકે. હાલ આ ટેક્નોલોજીનું સૌપ્રથમવાર અમરેલી-ભાવનગર રેન્જમાં સપ્ટેમ્બરમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે આ પ્રોજેક્ટનું પરીક્ષણ પીપાવાવ રૂટ પર કરવામાં આવી રહ્યું છે, જ્યાં સિંહોની હાજરી વધુ જોવા મળે છે. આ સિસ્ટમ ફાઈબર ઓપ્ટિક કેબલ દ્વારા પ્રસારિત થતા સ્પંદનોનું પૃથ્થકરણ કરીને કામ કરે છે જે ટ્રેકની બાજુમાં દટાયેલા હોય છે. આ કેબલ્સ સેન્સર તરીકે કામ કરે છે, જે AI-સંચાલિત સિસ્ટમને વાસ્તવિક સમયમાં રેલ્વે લાઇનની આસપાસના વિસ્તારમાં સિંહ સહિત જંગલી પ્રાણીઓની હિલચાલને ઓળખી કોઈ મોટા પ્રાણી સહિત કોઈપણ ઘુસણખોર મળી આવે તો તેની ટ્રેન ડ્રાઈવરોને ચેતવણી આપે છે. આ સાથે હાલ સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા વનવિભાગે નિયમિત અંતરે ટ્રેકની બાજુમાં વાડ ઉભી કરી છે. તેણે સંરક્ષિત ગીરના જંગલ વિસ્તારમાંથી પસાર થતી વખતે ટ્રેનોની ગતિ મર્યાદિત કરવા રેલવેને પણ નિર્દેશ આપ્યો છે.