- ગેરકાયદેસર રીતે અમેરિકા જનારાઓમાં મુખ્યત્વે પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશના લોકોનો સમાવેશ
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 18 હજાર ભારતીયોને ટૂંક સમયમાં દેશમાં પાછા ફરવું પડી શકે છે. અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ઈંઈઊ)ના તાજેતરના અહેવાલ મુજબ, 14.45 લાખ લોકોમાં 17,940 ભારતીયોનો સમાવેશ થાય છે જેમને દેશમાંથી બહાર કાઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને સત્તા સંભાળશે ત્યારબાદ દેશનિકાલ પ્રક્રિયા ઝડપી બને તેવી શક્યતા છે.
રિપોર્ટ અનુસાર ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની બાબતમાં ભારત 13મા ક્રમે છે. ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જનારાઓમાં મુખ્યત્વે પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશના લોકોનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 90,000 ભારતીયો યુએસ બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરતા પકડાયા છે. તે જ સમયે, ભારત પછી, ચીન એશિયામાં સૌથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ધરાવતો દેશ છે, જ્યાંથી લગભગ 38,000 લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે.
આઇસીઈ એ ભારતનો સમાવેશ “બિન સહકારી દેશો” ની યાદીમાં કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય સત્તાવાળાઓ દ્વારા નાગરિકતાની ચકાસણી, સમયસર મુસાફરી દસ્તાવેજો જારી કરવામાં અને તેમના નાગરિકોને સ્વીકારવામાં વિલંબને કારણે દેશનિકાલ પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યો છે. આઇસીઈ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતની સાથે ભૂટાન, બર્મા, ક્યુબા, પાકિસ્તાન અને ચીન જેવા 15 દેશોને બિનસહકારી દેશ માનવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે દેશનિકાલને તેમની સરહદ સુરક્ષા નીતિનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે. તેમનું વહીવટીતંત્ર ઝડપથી તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દૂર કરવાની યોજના બનાવી રહ્યું છે જેમની સામે આદેશ જારી કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકામાં રહેતા હજારો ભારતીયો માટે પડકાર વધી શકે છે.