- આંધ્રપ્રદેશમાંથી ચોરાયેલો લાલ ચંદનનો જથ્થો ગુજરાતના પાટણમાંથી ઝડપાયો
- આશરે 4 કરોડની કિંમતના રક્તચંદન 150 ટુકડા કર્યા જપ્ત
- આંધ્ર અને પાટણ LCB પોલીસનું સંયુક્ત ઓપરેશન
હાલમાં ચંદનની ચોરી પર બનેલી પુષ્પા-2 ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ચંદન ચોરીના બનાવો સામે આવ્યાં છે. તેમજ વડોદરાની MS યુનિવર્સિટીમાં ચંદનના બે ઝાડ ચોરાઈ ગયા હોવાની ઘટના બન્યા બાદ હવે ઉત્તર ગુજરાતના પાટણમાં રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો હતો. તેમજ આંધ્રપ્રદેશથી ચોરાયેલા આશરે 4 કરોડની કિંમતના રક્તચંદનનો જથ્થો પાટણથી ઝડપાયો હતો.
મળતી માહિતી અનુસાર ગેરકાયદેસર રીતે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. તેમજ આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી. તેમજ પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક ગોડાઉનમાંથી આશરે 4 કરોડની કિંમતના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.
કરોડોના રક્તચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે આ દરમિયાન પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. તેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડાં કબ્જે કર્યા હતા.