- અમદાવાદ ગુજરાતનું ફાઈનાન્સિયલ હબ છે અને તેના કારણે અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો પણ આકાશને આંબી રહી છે
- અમદાવાદમાં ઘણી આઈકોનિક બિલ્ડિંગ્સ બની રહી છે અને હવે ઈસ્કોન સર્કલ પર એક સ્કાયસ્ક્રેપર બનશે
- આ બિલ્ડિંગ ગુજરાતની પ્રથમ એવી સ્કાયસ્ક્રેપર હશે જેમાં હાઈ-એન્ડ રિટેલ, કોમર્શિયલ ઓફિસિસ અને રેસિડેન્શિયલ યુનિટ્સ હશે
અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અને હવે શહેરમાં સ્કાયસ્ક્રેપર પણ બની રહી છે. હવે અમદાવાદમાં જાણીતા ગુલમોહર મોલના સ્થાને એક અનોખી સ્કાયસ્ક્રેપર બનશે જેમાં રેસિડેન્શિયલની સાથે સાથે કોમર્શિયલ સ્પેસ પણ હશે. જોકે, આ બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ ખરીદવા માટે બાયર્સને 14 કરોડથી લઈને 28 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
અમદાવાદ ગુજરાતનું ફાઈનાન્સિયલ હબ છે અને તેના કારણે અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો પણ આકાશને આંબી રહી છે. અમદાવાદમાં ઘણી આઈકોનિક બિલ્ડિંગ્સ બની રહી છે અને હવે ઈસ્કોન સર્કલ પર એક સ્કાયસ્ક્રેપર બનશે. આ સ્કાયસ્ક્રેપર મિક્સ્ડ-યુઝ ટાઈપની બિલ્ડિંગ હશે. અહેવાલ પ્રમાણે એક લોકલ ડેવલપર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેનો અંદાજીત ખર્ચ 1000 રૂપિયા હશે અને તે 160 મીટર ઊંચી હશે.
આ બિલ્ડિંગ ગુજરાતની પ્રથમ એવી સ્કાયસ્ક્રેપર હશે જેમાં હાઈ-એન્ડ રિટેલ, કોમર્શિયલ ઓફિસિસ અને રેસિડેન્શિયલ યુનિટ્સ હશે. આ સ્કાયસ્ક્રેપર પરના રેસિડેન્શિયલ યુનિટ્સ પરથી શહેરની વેસ્ટર્ન સ્કાયલાઈનના આકર્ષક દ્રશ્યો જોવા મળશે. જોકે, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ મોટો ખર્ચ થવાનો છે અને તેથી જ ત્યાં પ્રોપર્ટી ખરીદવા માટે પણ તગડી રકમ ચૂકવવી પડશે. તેની કિંમત 14 કરોડ રૂપિયાથી લઈે 28 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. માર્કેટ પ્રાઈસ જોવામાં આવે તો વર્તમાનમાં તેના પ્લોટની પ્રાઈસ અંદાજીત 350 કરોડ રૂપિયા હશે અને તેના કારણે જ આ સ્કાયસ્ક્રેપર પરના એપાર્ટમેન્ટ્સ અમદાવાદના સૌથી મોંઘા એપાર્ટમેન્ટ્સ હશે.
બંગલોઝમાંથી મોલ અને હવે સ્કાયસ્ક્રેપર
લોકપ્રિય ગુલમોહર પાર્કના ડેવલોપર નવરત્ન ગ્રુપ છે અને હવે તે પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે તે વર્તમાન સ્ટ્રક્ચરને તોડી રહ્યા છે. 10081 સ્ક્વેર યાર્ડ પ્લોટ પર 2.24 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયો ગુલમોહર પાર્ક મોલ અંદાજીત 60 કરોડ રૂપિયાના ખર્ચે 2007માં બનાવવામાં આવ્યો હતો.
સાઈટ પર ત્રીજી વખત ફેરફાર થઈ રહ્યા
જોકે, રસપ્રદ વાત એ છે કે આ સાઈટ પર ત્રીજી વખત ફેરફાર થઈ રહ્યા છે. નવરત્ન ડેવલોપર ગ્રુપ 1975માં દિનેશ શાહ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું અને હાલમાં તેમના પુત્રો દેવાંગ શાહ અને પ્રણવ શાહ ગ્રુપના પ્રમોટર્સ છે. દિનેશ શાહે 1983-84માં આ જ સાઈટ પર ગુલમોહર સોસાયટી બનાવી હતી. જેમાં અંદાજીત 400 સ્ક્વેર યાર્ડની સાઈઝના 24 બંગલા હતા. બાદમાં તેમણે આ સાઈટ પર મોલ બનાવવા માટે મકાનમાલિકો પાસેથી જમીન ખરીદી લીધી હતી. ત્યારબાદ તેમણે ત્યાં ગુલમોહર પાર્ક મોલ બનાવ્યો હતો. હવે નવરત્ન ગ્રુપ અહીં સ્કાયસ્ક્રેપર બનાવવા જઈ રહ્યા છે. અહીં જે સ્કાયસ્ક્રેપર બનાવવામાં આવશે તેની પ્લાન પ્રમાણે તેની હાઈટ 162 મીટર હશે અને તેમાં 38થી 40 માળ હશે. તેમાંથી 19 માળ કોમર્શિયલ સ્પેસ માટેના હશે જ્યારે ઉપરના તમામ માળ પર રેસિડેન્શિયલ યુનિટ્સ બનાવવામાં આવશે.
આ બિલ્ડિંગમાં રેસિડેન્શિયલ યુનિટ્સ પણ ઘણા મોટા હશે. ડેવલોપર્સના પ્લાન પ્રમાણે પ્રત્યેક ફ્લોર પર ફક્ત બે જ એપાર્ટમેન્ટ્સ હશે અને પ્રત્યેકની સાઈઝ 14,000 સ્ક્વેર ફૂટ (સુપર બિલ્ટ-અપ એરિયા) અથવા તો અંદાજીત 7000 સ્ક્વેર ફૂટ (કાર્પેટ/RERA એરિયા) હશે. વર્તમાન માર્કેટ પ્રાઈસ પ્રમાણે ચાર કે પાંચ BHK એપાર્ટમેન્ટ્સનો ખર્ચ અંદાજીત 14 કરોડ રૂપિયાની આસપાસ હશે. એટલું જ નહીં બાયર્સ પાસે બે એપાર્ટમેન્ટ્સને ભેગા કરીને એક કસ્ટમાઈઝ્ડ પેન્ટહાઉસ બનાવવાનો પણ વિકલ્પ હશે. જે બાયર્સ એવું કરશે તેણે 28,000 સ્ક્વેર ફૂટના રેસિડેન્શિયલ યુનિટ માટે અંદાજીત 28 કરોડ રૂપિયા ખર્ચવા પડશે.
બંને માટે પાર્કિંગની સુવિધા અલગ-અલગ
ભલે આ સ્કાયસ્ક્રેપરમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ યુનિટ્સ સાથે હશે પરંતુ તેમાં બંને માટે પાર્કિંગની સુવિધા અલગ-અલગ હશે અને એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ પણ અલગ હશે. પ્રત્યેક એપાર્ટમેન્ટને પાંચ ડેઝિગ્નેટેડ કાર પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ માટે પ્રતિ 500 સ્ક્વેર ફૂટ પર એક કાર પાર્કિંગ મળશે. બેઝમેન્ટમાં ટુ-વ્હિલર પાર્કિંગ ઉપલબ્ધ રહેશે.