- બી.ટી. સવાણી હોસ્પિટલે સેવાનો વ્યાપ વધાર્યો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિશ્ર્વકક્ષાની આંતર માળખાકીય સુવિધાથી સુસજ્જ હોસ્પિટલનું કર્યું શિલાન્યાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતે વિશ્ર્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ.150 કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.
મુખ્યમંત્રીના હસ્તે મંત્રોચ્ચાર સાથે હોસ્પિટલની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. 12 માળની આ હોસ્પિટલમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પુરી પાડવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનતા બી.ટી.સવાણી હોસ્પિટલના ચેરમેન જયંતિભાઈ ફળદુએ જણાવ્યું હતું કે, સરકારની આયુષ્માન યોજના લોકો માટે વરદાનરૂપ બની રહી છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.વિવેક જોશીએ નિર્માણાધિન શિતુલ મંજુ પટેલ હોસ્પિટલ અંગેની વિગતો ઉપસ્થિત સર્વેને પુરી પાડી હતી.
રૂપીયા 150 કરોડના ખર્ચે 250 પથારીની સુવિધા સાથે 12 માળની હોસ્પિટલ આકાર પામી રહેલ શિતુલ મંજુ પટેલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વિશ્વ કક્ષાના અંતર માળખા સાથે આધુનિકતમ સાધનો અને નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ ધરાવતી હશે. 30 જેટલા ક્ધસલ્ટિંગ રૂમ 12 ઓપરેશન થિયેટર અને હોસ્પિટલમાં ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 5 માળનું પાર્કિંગ અને સોલાર સિસ્ટમ સાથે ગ્રીન કેમ્પસ નું આયોજન કરવામાં આવેલ છે. કિડની ઉપરાંત લીવર, હૃદય, ફેફસા અને બોનમેરો જેવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશિષ્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. કિડની ઉપરાંત ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, કાર્ડિયોલોજી અને ઓન્કોલોજી, પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર વિભાગ સહિત અનેકવિધ અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક સુવિધા અને લેબોરેટરી નો સમાવેશ થાય છે.
નવી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે મુંબઈ નિવાસી ઉદ્યોગપતિ ધીરજભાઈ પટેલ દ્વારા તેમના પુત્ર શિતુલભાઈના સ્મરણાર્થે રૂપિયા 20 કરોડનું અનુદાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત જ્યોતિ સીએનસી- પરાક્રમસિંહ જાડેજા, સીમ્પોલો સીરામીક મોરબી- જીતેન્દ્રભાઈ અઘારા અને રોલેક્સ રિંગ્સ- રૂપેશભાઈ અને મનીષભાઈ મદેકા દ્વારા પાંચ-પાંચ કરોડના અનુદાન પણ પ્રાપ્ત થયેલ છે.