- રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ભૂમિપુજન
- શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણ માટે આધ્યાત્મિક ચેતના જરૂરી: ભૂપેન્દ્રભાઇની ટકોર
- રાજ્ય સરકાર દ્વારા ‘સેવ કલ્ચર’ અભિયાન દ્વારા સંસ્કૃતિની જાળવણીનું કાર્ય થાય છે: મુખ્યમંત્રી
રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે 10 એકરમાં ઉમિયાધામ મંદિરના ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ સંસ્કારોથી થતી હોય છે. સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે. શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણ માટે આધ્યાત્મિક ચેતના જરૂરી છે. આ દિશામાં રાજ્ય સરકાર તેમજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા “સેવ કલ્ચર” ઝુંબેશ હાથ ધરી વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક કહ્યું હતું કે, પાટીદાર સમાજ દ્વારા આરોગ્ય, શિક્ષણ (છાત્રાલયો) જેવા ધર્મ સેવા સાથે જનસેવાના ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે. ઉમિયાધામના નિર્માણ માટે જોડાનાર દાતાઓ, સ્વયંસેવકો અન્ય સમાજોને પ્રેરિત કરે છે. પાટીદાર સમાજે પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સહભાગી થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમાજ શક્તિથી રાષ્ટ્ર નિર્માણ અને ધર્મ સેવા સાથે સાંસ્કૃતિક ધરોહર, આધ્યાત્મિક ચેતનાના વિશિષ્ટ કાર્યો થયા છે. વડાપ્રધાન દ્વારા અયોધ્યામાં રામ મંદિર, કાશી, અંબાજી, મહાકાલ કોરિડોર, સોમનાથ તેમજ રામાયણ સર્કિટ, બૌદ્ધ સર્કિટ, વિવેકાનંદ સર્કિટ સાથે વિકાસ અને વિરાસતને ગૌરવાન્વિત ઊંચાઈ પર લઈ જવાનું કાર્ય થયું છે. રાજકોટ ખાતેના ઉમિયાધામના નિર્માણ હેતુ રાજ્ય સરકારે દસ એકર જમીન ફાળવી છે. જેમાં યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ, વૃદ્ધો માટે એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના સમાજોપયોગી કાર્ય થશે. આ માટે મુખ્યમંત્રીએ ઉમિયાધામના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મા ઉમાની ભક્તિ સાથે સમાજના સર્વાંગી વિકાસના કાર્યો થતાં ભક્તિ સાથે સમાજમાં શકિતનો પણ સંચાર થશે તેમ જણાવી સમાજને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આહવાહ્ન કર્યું હતું.
સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલાએ આ તકે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાજકોટનું ઉમિયાધામ શ્રધ્ધાનું કેન્દ્ર તો બનશે જ સાથો સાથ આ ઉમિયાધામ સામાજિક સંસ્થાના માધ્યમથી યુવાનોને વિકસવાની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવશે. ઉમિયાધામનાં માધ્યમથી વિરાસત સાથે વિકાસને જોડવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે.
આ ખાતમૂહુર્ત પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો શુભેચ્છા સંદેશ વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે દાતા, આગેવાનોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ નંદલાલભાઈ માંડવીયા તેમજ ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, રમેશભાઈ ટીલાળા, કાંતિભાઈ અમૃતીયા, રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, આગેવાન રાજુભાઈ ધ્રુવ, ડો.વલ્લભભાઈ કથીરિયા, સિદસર મંદિરના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણી સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરનું નિર્માણ કાર્ય ત્રણ વર્ષમાં પુરૂં કરાશે ગર્ભગૃહમાં ર્માં ઉમિયાની 51 ઇંચની મૂર્તિ હશે
ઉમિયા માતાજીનું આ મંદિર સોમનાથની વિશાળતા, મોઢેરાની આકર્ષક ભૂમિતિ, ઈલોરાની ચમત્કૃતિ, અંગકોરવાટની જાજરમાન ભવ્યતા દેલવાડા અને હીરાકુંડની બારીક કોતરણીને ઉજાગર કરતું આ મંદિર અન્ય ભવ્ય સાંસ્કૃતિક સ્મારકોની હરોળમાં ગૌરવવંત ઉભું રહેશે. આવતા હજારો વર્ષો સુધી સંસ્કૃતિની ગાથા ગાતું રહે એવી સજ્જતાથી મા ઉમિયાના મહાકાવ્યને આ મંદિરમાં કંડારાશે.
શ્રી ઉમિયા માતાજી મંદિરનો પરિસર સંપૂર્ણ મંદિરની ડીઝાઈન પ્રાચીન શિલ્પશાસ્ત્રના નિયમો પ્રમાણે બનાવવામાં આવશે. સંપૂર્ણ બાંધકામમાં કોઇપણ જગ્યાએ લોખંડનો ઉપયોગ થશે નહી. 4000 ટન ગુલાબી પથ્થર. 15,000 જેટલા કંડારાયેલા પથ્થરોનું સંયોજન. 71 ફૂટ ઊંચું નાગરાદી શૈલીનું પ્રાચીન માં ઉમિયાનું દિવ્ય શિખર. 170 ફૂટ લંબાઈ. 130 ફૂટ પહોળાઈ. 5 ઊંચા ઘુમ્મટો(સામરાણા). એક સાથે 200 થી પણ વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તેવો ગૂઢ મંડપ. મુખ્ય મંદિરની પરિક્રમા થઈ શકે તેવો કોરીડોર. 300 કલામંડિત સ્થંભો, દેવ સ્વરૂપો, દેવી દેવાંગના, કિન્નર, યક્ષ, ગાંધર્વ, વિષાચરોની મૂર્તિઓ કંડારવામાં આવશે. 1500થી પણ વધારે કલાપૂર્ણ પ્રતિમાઓ અને રૂપકામો. 80 જેટલી કલાત્મક છતો. નજાકત સભર કમાનો. (હિડોલક તોરણો). ગુજરાતના 300 થી પણ વધારે સોમપુરા શિલ્પકારો આ મંદિરના પથ્થરોનો હથોડી ટાંકણાથી કંડારાશે. મંદિર બાંધકામનું કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. અત્યંત આધુનિક ઈન્ટરેકટીવ ટેકનોલોજીના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને અને તેના સનાતન મુલ્યોને માણી શકે તે માટે સાંસ્કૃતિક પ્રદર્શન ખંડો, સંસોધન કેન્દ્ર, ભવ્ય હરિયાળી ઉદ્યાનો સાથે રચનાત્મક શિલ્પો અને સંગીતમય ફુવારાઓથી મનને શાંત કરી દે તેવું વાતાવરણ ખડું કરાશે. ઉમિયાધામ જશવંતપુરના પ્રોજેક્ટ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને ઇન્ચાર્જ નિલયભાઈ ડેડાણીયા જણાવ્યું કે ભારતીય સ્થાપત્ય નિર્માણમાં શિલ્પશાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે સર્વ પ્રથમ વસ્તુવિધિ શિલાન્યાસવિધિ કરીને અર્થાત વાસ્તુપુરૂષની અને તેની પર બેઠેલા દેવોની અનુમતિ લઈને પછી જ પૃથ્વી પર કોઇપણ પ્રકારનું બાંધકામ શરૂ થાય.
પ્રાચીન મંદિરો અને સ્થાપત્યોનો ઊંડો અભ્યાસ તથા સંસોધન કરીને સનાતન ધર્મના પરંપરાગત અને પ્રમાણભૂત સ્થાપત્ય મૂજબ જ રચાતા આ મંદિરના 15000થી પણ વધારે પથ્થરોને ગુજરાત અને રાજસ્થાનના 300 થી પણ વધારે સોમપુરા શિલ્પકારો દ્વારા કંડારીને રાજકોટ લઈ જવામાં આવશે. ત્યાં શિલ્પકારો આ પથ્થરોને એકબીજામાં સાંકળીને મંદિરનું નિર્માણ કરશે. ગર્ભગૃહમાં 51 ઇંચના મા ઉમિયાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને આજુબાજુના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણજી અને શિવજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે.