- દ્વારકાનો તલાટી મંત્રી ખોટા જન્મદાખલા બનાવી, ઉમર ઘટાડી દમણ, વલસાડ, પોરબંદરના શખ્સો સાથે મળી કૌભાંડ આચરતો
- 54 જેટલાં બોગસ પાસપોર્ટ બનાવી નાખનાર નવ ભેજાબાજોની અલગ અલગ જિલ્લામાંથી ધરપકડ કરતી દ્વારકા પોલીસ
દ્વારકાથી બોગસ જન્મદાખલો બનાવી પોર્ટુગિઝોને વાલી તરીકે દર્શાવી બોગસ પાસપોર્ટ બનાવી યુકેના વિઝા અપાવી દેવાનું મસમોટું કૌભાંડ ઝડપાયુ છે. દ્વારકાનો તલાટી મંત્રી પોરબંદર, દમણ, વલસાડ, સુરતના શખ્સો સાથે મળી સરકારી રેકર્ડમાં ચેડા કરી આખું કૌભાંડ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. મામલામાં દ્વારકા પોલીસે નવ શખ્સોની ધરપકડ કરી આખા કૌભાંડ પરથી પડદો ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, હાલ સુધીમાં આ ભેજાબાજોએ 54 જેટલાં પાસપોર્ટ બનાવી નાખ્યાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
ગુજરાતમાં બનાવટી દસ્તાવેજ, નકલી અધિકારીઓ ઝડપવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં સરકારી જન્મના રેકર્ડ સાથે ચેડાં કરી યુકેના પોર્ટુગીઝના વિઝા મેળવવા માટે બનાવટી ભારતીય પાસપોર્ટના આધારે આચરેલા કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો હતો. તલાટી કમ મંત્રી સહિતના નવ શખસની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી. તલાટી મંત્રી બર્થ સર્ટિફિકેટમાં ઉંમર ઘટાડી દેતો હતો. જો કે આ કૌભાંડ સામે આવતા તલાટીને સસ્પેન્ડ કરી દેવાયો છે.
આ કૌભાંડની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી તંત્રમાં જન્મના રેકર્ડ સાથે ચેડાં કરી, સાચી એન્ટ્રીઓનો નાશ કરી, બોગસ એન્ટ્રીઓના આધારે ગ્રામ પંચાયતના વેબપોર્ટલના ખોટા જન્મના પ્રમાણપત્ર બનાવી, ભારતીય પાસપોર્ટના આધારે યુકેના પોર્ટુગીઝ વિઝા મેળવવાના કૌભાંડમાં યુકે જવા ઈચ્છુક વ્યક્તિઓની પસંદગી કરી, પોર્ટુગલની નાગરિકતા ધરાવતા શખસ સાથે સંપર્ક કરી, નાણાકીય લેવડ-દેવડ કરી અને તેઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી, પાસપોર્ટ માટે એપ્લીકેશન કરનાર વ્યક્તિનું ફર્સ્ટનામ રાખવામાં આવતું હતું.
આ ઉપરાંત માતા-પિતાનું નામ બદલીને પોર્ટુગીઝના વાલી તરીકે બતાવી, જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવી લેવામાં આવતા હતા. જેમાં તેની ઉંમર 21 વર્ષથી ઓછી રાખવામાં આવતી હતી. કેમ કે, માઇનર તરીકે વિઝા મેળવવામાં સરળતા રહેતી હતી. આ વિગતોના આધારે આધારકાર્ડમાં એડીટીંગ કરી, નામ તથા સરનામા બદલાવી નાખવામાં આવતા હતાં. તેમજ આધાર કાર્ડ અને જન્મના પ્રમાણપત્રોના આધારે સાઉથ ગુજરાતના વલસાડ, દમણ અને સુરતના એજન્ટો મારફતે તમામ કામગીરી કરવામાં આવતી હતી.
બનાવટી પાસપોર્ટ બની જતાં પોસ્ટ મારફતે અગાઉ નિયત કરેલા સ્થળે આવે ત્યારે મેળવી લઈ અને અરજદાર સુધી પહોંચાડવા અંગેનું સુવ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કૌભાંડ અંગે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના નેજા હેઠળ એસઓજી પીઆઇ પી.સી સીંગરખીયા સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડ સાથે સંકળાયેલા પોરબંદર, સુરત, વલસાડ અને દમણના જુદા જુદા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુકે (ઈંગ્લેન્ડ) જવા ઈચ્છુક વ્યક્તિઓ પોરબંદરમાં રહેતાં પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડિયા અને તેના સંબંધી આશિષ ઓડેદરાનો સંપર્ક કરતા હતા. આશિષ વલસાડ અને દમણના પાસપોર્ટ એજન્ટોના સંપર્કમાં હતો.
રાયદે રાણા ઓડેદરા પોર્ટુગીઝ નાગરિકોના દસ્તાવેજો તથા પાસપોર્ટ બનાવવા જરૂરી માહિતી મેળવી ફરજ મોકુફ રહેલા તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાનો સંપર્ક કરી અરજદારનું નામ, પોર્ટુગીઝ માતા અથવા પિતાનું નામ અને માયનોર વિઝા સરળતાથી મળી રહે તે રીતે 21 વર્ષથી ઓછા રાખી જન્મ તારીખમાં ફેરફાર કરતાં હતા. ત્યાર બાદ તલાટી કમ મંત્રી હાર્દિક તેની સરકારી ફરજનો ગેરઉપયોગ કરી, જન્મ-મરણ નોંધ રજીસ્ટરમાં જૂની નોંધો કોઇપણ રીતે હટાવી તેમાં સત્તાની રૂએ ઓનલાઈન વેબપોર્ટલમાં ખોટા જન્મપ્રમાણપત્રો જનરેટ કરી, પોતાની સહી કરી અને ખોટા જન્મપ્રમાણપત્રો પુરા પાડતો હતો.
ત્યાર બાદ આશિષ ઓડેદરા અને દિલીપ મોઢવાડિયા દમણના એજન્ટ પ્રતિક પટેલને જન્મતારીખનો દાખલો મોકલી આપતા હતા. જેથી પ્રતિક ટંડેલ દ્વારા પાસપોર્ટ કઢાવવા આધારકાર્ડની જરૂરિયાત હોય, જેથી તેના સંબંધી અને ગ્લોબલ સાયબર કેફેનો સંચાલક નિહલ ટંડેલ મારફતે આધારકાર્ડમાં અપડેટ કરાવી નવું આધારકાર્ડ બનાવી લેતાં હતા. તમામ દસ્તાવેજ વલસાડના પાસપોર્ટ એજન્ટ ભાવેશ પંચાલને સોંપતા હતાં. જેથી ભાવેશ પાસપોર્ટની વેબસાઈટ ઉપર ખોટી માહિતી તથા ડોક્યુમેન્ટ અપલોડ કરી પાસપોર્ટ મેળવવાની ઝડપી અને સરળતા માટે સુરતના પાસપોર્ટ એજન્ટ રિતેશ શાહ અને પિનાકિન રાણાની મદદ લેતો હતો.
અગાઉ દમણ પોર્ટુગિઝોની ગુલામીમાં હોવાથી પોર્ટુગલના લોકોનો ઉપયોગ કરાતો
સમગ્ર ટોળકી દ્વારા 1960માં આઝાદ થયેલા દમણ અને દિવ તથા ગોવામાં રહેનારા લોકોના પાસપોર્ટ પોર્ટુગીઝ હતા. જેથી આ લોકો સહેલાઈથી યુરોપ અને ઈંગ્લેન્ડ જઈ શકતા હતા. તેઓને યુરોપ તથા ઈંગ્લેન્ડની નાગરિકતા સરળતાથી મળી જતી હતી અને સેટલમેન્ટ લેટર પણ મળતો હતો. આ લેટરના આધારે પતિ, પત્ની, પુત્ર, પુત્રીઓ તથા પરપૌત્રને પણ યુરોપ કે ઈંગ્લેન્ડ બોલાવી શકતા હતા. જેથી તેઓને ઈંગ્લેન્ડ જવું હોય અને ત્યાં સ્થાયી થવું હોય તો ઈંગ્લેન્ડમાં રહેનારા પોર્ટુગીઝ લોકોને મોટી રકમ આપી, પોર્ટુગીઝ લોકો માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની બની જઈ વિઝા મોકલતા હતા. તેમના આધારે પાસપોર્ટ બનાવનારો બનાવટી જન્મના દાખલા, આધારકાર્ડ બનાવી તેના ઉપરથી બનાવટી પાસપોર્ટ ઈશ્યુ કરતો હતો. જેથી ઈંગ્લેન્ડ જનારને આરામથી વિઝા મળી રહે અને થોડા સમય બાદ ત્યાંની નાગરિકતા મળી રહે.
બોગસ પાસપોર્ટના આધારે વિદેશ ચાલ્યા ગયેલા લોકો સામે પણ કાર્યવાહી કરાશે : નિતેશ પાંડે આકરાપાણીએ
સમગ્ર મામલામાં દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અબતક સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં સવિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ સુધીમાં કુલ 54 જેટલાં બોગસ પાસપોર્ટ બની ગયાંનું અમારી તપાસમાં સામે આવ્યું છે. જે પૈકી અમુક લોકો બોગસ પાસપોર્ટના આધારે વિદેશ ચાલ્યા ગયાનું ખુલતા હવે તેમના પાસપોર્ટ રદ્દ કરવા સહીતની કાર્યવાહી કરવામાં આવનાર છે. આ ઉપરાંત નિતેશ પાંડેએ અપીલ કરી હતી કે, વિદેશ જવા ઈચ્છુકો કોઈ પણ લોભ કે લાલચમાં આવી ગેરકાયદે વિદેશ જવાનું ટાળે. વિદેશ જવા માટે કાયદેસરનો માર્ગ અપનાવવો હિતાવહ છે અન્યથા તમારા વિરુદ્ધ કડક કાર્યવાહી થઇ શકે છે.
કૌભાંડના તાર છેક યુકે, રશિયા, ઓસ્ટ્રેલિયા અને દુબઇ સુધી
પોલીસની તપાસ દરમિયાન ઓનલાઈન વેબ પોર્ટલો અને જન્મતારીખના દાખલાઓ તથા રીઝનલ પાસપોર્ટ ઓફિસની કચેરીમાંથી પાસપોર્ટ નંબર તેમજ પાસપોર્ટની કોપી સહિતના દસ્તાવેજો એકઠાં કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસે પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મમાં એપ્લીકેશન કરનાર એજન્ટના ઈમેઇલ આઈડી તથા આઈપી, સાઈનઅપ ડિટેઇલ સહિતની વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઈમેઇલ દ્વારા કૌભાંડીઓ યુકે, રશિયા, ઓસ્ટ્ેિલયા અને દુબઇથી વિગતો ઓપરેટ કરતા હોવાની વિગતો ખુલતાં પોલીસ દ્વારા માઈક્રો પ્લાનિંગ તપાસ સાથે શંકાસ્પદ શખસોની ઓળખ કરવામાં ટેકનિકલ ઈન્ટેલીજન્સની પણ મદદ લેવામાં આવી હતી.
એક જન્મદાખલામાં ચેડા થયાનું સામે આવતા બે મહિના સુધી તપાસ કરી કૌભાંડ પરથી પડદો ઉઠાવી લેવાયો : એસપી
એસપી નિતેશ પાંડેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જન્મદાખલાની તમામ કામગીરી સીડીએચઓની આગેવાની હેઠળ કરવામાં આવતી હોય છે ત્યારે દ્વારકા સીડીએચઓના ધ્યાને આવ્યું હતું કે, એક જન્મદાખલામાં ચેડા કરવામાં આવ્યા છે જે બાદ તેમણે તપાસ કરતા આવા ચેડા એકથી વધુ જન્મદાખલામાં થયાનું જાણવા મળ્યું હતું. તેથી તેમણે અમને ફરિયાદ આપતાં બે માસ સુધી ખાનગી રાહે ટેક્નિકલ એનાલિસિસ, પાસપોર્ટની વિગતો, હ્યુમન રિસોર્સની મદદથી આખેઆંખ કૌભાંડ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો.