- કમ્ફર્ટ ઈન રેડમાં એસએમસીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું
- પોલીસે રૂ. 51 લાખનો તોડ કરી લીધાનો એસએમસીની તપાસમાં ઘટસ્ફોટ
ટંકારાની કમ્ફર્ટ ઈન હોટેલમાં પાડવામાં આવેલી હાઈપ્રોફાઈલ જુગારધામ રેડ પ્રકરણમાં અનેકના તપેલા ચડી જવાનો ’અબતક’ દ્વારા પ્રસિદ્ધ કરાયેલો અહેવાલ સાર્થક સાબિત થયો છે. મામલાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવતા એસએમસી વડા નિર્લિપ્ત રોયની આગેવાની હેઠળ 40 જવાનોની ટીમે ટંકારા ખાતે ધામા નાખી તપાસનો ધમધમાટ કરતા આ તપાસમાં મોટા ઘટસ્ફોટ થયાં છે. પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીએ રૂ. 51 લાખનો તોડ કરી લીધાનું સામે આવતા ટંકારા પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ટંકારાની બહુચર્ચિત હાઈપ્રોફાઈલ જુગારધામકાંડમાં અંતે સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મામલામાં એસએમસી પીઆઈ આર જી ખાંટે ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 26 ઓક્ટોબરની રાત્રે દસ વાગ્યાં આસપાસ ટંકારા નજીક આવેલી હોટેલ કમ્ફર્ટ ઈનમાં ટંકારા પોલીસે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું જે પ્રકરણમાં
ધરપકડ કરાયેલા શખ્સોના નામ બદલાવી નાખ્યા સહીતની ગેરરીતી આચરી લેવાયાના અહેવાલો વહેતા થતાં તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી.
મામલામાં એસએમસીએ કરેલી તપાસમાં સામે આવ્યું છે કે, 26 ઓક્ટોબરની રાત્રે દસ વાગ્યાં આસપાસ ટંકારા નજીક આવેલી હોટેલ કમ્ફર્ટ રિસોર્ટમાં તીરથભાઈ અશોકભાઈ ફળદુ, નિતેશ ઉર્ફે નીતિનભાઈ નારણભાઈ ઝાલરીયા, વિમલભાઈ રામજીભાઈ પાદરીયા, રજનીકાંત ભરતભાઈ દેત્રોજા, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ અને શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુંમ્મર રિસોર્ટના પ્રથમ માળે રૂમ નંબર 105 કે જે રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજાના મિત્ર ચિરાગ રસિકભાઈ ધામેચાના નામે બુક કરવામાં આવેલ હતો ત્યાં હાજર હતા. જયારે વિમલ પાદરીયાનો ડ્રાયવર ગોપાલ રણછોડભાઈ સભાડ અને ચિરાગ રસિક ધામેચા જીજે-03-કેસી-1400 નંબરની ફોરચુનર કાર સાથે પાર્કિંગમાં હતા. રૂમમાં હાજર શખ્સોએ સૂપ થતાં સેન્ડવિચનો નાસતો કર્યા બાદ રજનીકાંતભાઈ દેત્રોજા રાજકોટ જવા રવાના થયાં હતા જયારે અન્ય લોકોએ ટાઈમ પાસ માટે કોઈનથી પત્તા રમવાનું નક્કી કર્યું હતું.
દરમિયાન રાત્રીના દવા અગિયાર વાગ્યે ટંકારા પોલીસના તત્કાલિન પીઆઈ વાય કે ગોહિલ, કોન્સ્ટેબલ મહીપતસિંહ હરિસિંહ સોલંકી, દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા અને પીઆઈના મિત્ર અરવિંદસિંહ કૃષ્ણસિંહ જાડેજા સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે-36-એસી-0095 લઇ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પીઆઈ ગોહિલ દશરથસિંહ, કૃષ્ણરાજસિંહને રૂમ નંબર 105માં મોકલ્યા હતા જયારે પોતે કોન્સ્ટેબલ મહીપતસિંહ અને અરવિંદસિંહ જાડેજા સાથે પાર્કિંગમાં રહેલી ફોચ્ર્યુનર કારના ડ્રાયવરોને બહાર ઉતારી કારની ઝડતી કરી હતી પણ કશું મળી આવ્યું ન હતું. બીજી બાજુ રૂમમાં ગયેલા કોન્સ્ટેબલો મોબાઈલમાં વિડીયો ઉતારતા ઉતારતા અંદર પહોંચ્યા હતા.
થોડીવારમાં પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકી પણ રૂમમાં પહોંચ્યા હતા અને તમારો વિડીયો ઉતરી ગયેલો છે અને હવે ન્યુઝ મીડિયામાં આપી દેવાનો છે અને જુગારનો કેસ કરવાનું કહી ગાળો આપી હતી. જે બાદ મહીપતસિંહ તીરથ ફળદુને બહાર લઇ જઈ તમારા વિરુદ્ધ કેસ ન કરવો હોય તો રોકડ રૂ. 15 લાખની માંગણી કરી હતી. જે બાદ વિમલભાઈ પાદરીયાને એકબાજુ લઇ તેમના વિરુદ્ધ પણ કેસ નહિ કરવા 12 લાખ માંગ્યા હતા. જેથી વિમલભાઈએ ટેલિફોનિક વાત કરી મિત્ર સુમિત તુલસીભાઇ અકબરી પાસે રૂ. 12 લાખ મંગાવ્યા હતા. જે નાણાં મેળવી પોલીસે તમામ શખ્સો અને ડ્રાયવરોને લોકઅપમાં મૂકી દીધા હતા.
જે બાદ તમામ શખ્સોને ડરાવી ધમકાવી તમને બદનામ કરી દઈશું તેવી ધમકીઓ આપી જો દરેક શખ્સના રૂ. 6 લાખ એમ 54 લાખ આપી દો તો તાત્કાલિક છોડી દઈશું, તેમના નામની જગ્યાએ અન્ય વિરુદ્ધ ગુનો દાખલ કરી દઈશું તેવી ઓફર આપતાં છેલ્લે રૂ. 41 લાખમાં પતાવટ કરવામાં આવતા તીરથ ફળદુના મિત્ર પંકજભાઈ ભરતભાઈ દેત્રોજા રૂ. 41 લાખ ટંકારા ખાતે પહોંચાડી દેતા આ થેલો પ્રથમ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ અને ત્યારબાદ તેની પાસેથી મહીપતસિંહએ લઇ લીધો હતો. જે બાદ વિમલભાઈ પાદરીયા પાસે પણ રૂ. 10 લાખ મંગાવતા સુમિત અકબરી વધુ 10 લાખ લઈને આપી ગયો હતો. આમ કુલ રૂ. 51 લાખ પડાવી લેવામાં આવ્યા હતા અને 12 લાખ રૂપિયા બહારથી મંગાવી જુગારના પટમાં બતાવવામાં આવ્યા હતા.
હવે તપાસમાં એસીબી ઝુકાવશે : કચ્છની ચકચારી પ્રકરણની પણ તપાસ થવાના એંધાણ
એસએમસીએ પીઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યા બાદ આ ગુનામાં ભ્રસ્ટાચાર થયાની કલમો ઉમેરવામાં આવી છે ત્યારે હવે આ તપાસમાં એસીબી ઝુકાવે તેવી પ્રબળ શક્યતા છે. ઉપરાંત પીઆઈ ગોહિલ કચ્છના અંજામ આપેલા જમીનકાંડની તપાસ પણ ખાનગી રાહે એસીબી કરશે તેવી પ્રબળ શક્યતા છે.
લાખેણો તોડ કરી ફરિયાદમાં ભળતા નામો લખી નખાયા
પીઆઈ ગોહિલે કરેલા તોડમાં કુલ રૂ. 51 લાખ પડાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તોડમાં નક્કી થયેલી શરતો મુજબ તીરથભાઈ ફળદુની જગ્યાએ રવિ મનસુખભાઇ પટેલ, વિમલભાઈ પાદરીયાના સ્થાને વીલ રાજીભાઈ પટેલ સહિતના નામો લખી નાખવામાં આવ્યા હતા.