- કુલ રૂપિયા 4,32,150નો મુદામાલ જપ્ત કરાયો
- કામગીરીમાં PI, PSI અને LCB સ્ટાફ જોડાયો હતો
ગાંધીધામ: નવી લાગુ પડેલી ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ઓર્ગનાઈઝ ક્રાઈમની કલમ 111 ને પ્રથમ વાર લાગુ કરીને પુર્વ કચ્છમાં ટેન્કરોમાં ડીઝલ ચોરી કરતી ગેંગને પુર્વ કચ્છની ગુના શોધક શાખાએ ઝડપી પાડી હતી. આ સાથે કુલ 4.32 લાખના મુદામાલ સાથેનો જથ્થો પોલીસે ઝડપ્યો હતો. પુર્વ કચ્છના ચાર પોલીસ મથકોમાં દાખલ થયેલા ગુનાઓનો ભેદ આ સાથે ઉકેલાયો હતો.
જેમાં પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન તળે કામ કરતી એલસીબીની ટીમ સામખિયાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ‘વાગડ વિસ્તારમાં ચોરી કરતી ગેંગના માણસો ચોરી કરેલા ડીઝલની લેતી દેતી માટે આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણા (રહે. શાહુનગર, આધોઈ) ના ઘર પાસે ભેગા થયા છે’ જે વિગતના આધારે તે ઈસમના ઘર પાસે આવેલા વાડામાં તપાસ કરતા પાંચેક માણસો સાથે કેરબા, બેરલ જોવા મળ્યા હતા. જેની તપાસ કરતા તેના કોઇ આધાર પુરાવા આરોપીઓ પાસેથી મળ્યા નહતા.
જેથી આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવીને સંગ્રહ કર્યો હોવાની સામે આવતા કચ્છમાં પ્રથમ વાર ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 એટલેકે ઓર્ગનાઈઝડ ક્રાઈમની એક્ટ લાગુ કરીને આરોપીઓ આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણા (રહે. આધોઈ) (ચોરી કરેલો ડીઝલનો જથ્થો રાખનાર), અસમલ ઉર્ફે અનવર કમાલ સમા (રહે. માધાપર), રજાક અલીમામદ સમા (રહે. નાના દિનારા), ભીલાલ ઓસમાણ સમા (મોટા બાંધા), અજીજ સિદિક સમા (રહે. નાના દિનારા) ની અટક કરી હતી. આ દરોડામાં મજીદ તૈયબ સમા અને ભખર રમજાન સમ (રહે. બન્ને નાના દિનારા, ભુજ) પકડવાના બાકી છે ત્યારે આ કાંડ પકડાતા પુર્વ કચ્છના ચાર પોલીસ મથક સામખિયાળી, ભચાઉ, રાપર અને લાકડીયામાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીશે 690 ડીઝલ લીટર કે જેની કિંમત 62,100 અને 5 મોબાઈલ, ડીઝલ કાઢવાની એક લાઈન અને એક કાર મળીને કુલ 4,32,150નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરીમાં એલસીબીના પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ એમ.વી. જાડેજા અને એલસીબી સ્ટાફ જોડાયો હતો.
આ આરોપીઓ રાત્રીના સમયે હાઈવે રોડ તથા કોઇની માલીકીની જગ્યા પર પાર્ક કરેલા ટ્રક વાહન પર રેકી કરી, પોતાનું વાહન બાજુમાં પાર્ક કરીને ટ્રક વાહનની ડીઝલ ટાંકી ખોલી, લોક તોડીને પાઈપ વડે ડીઝલ કાઢી કેરબામાં ભરીને ડીઝલ ચોરી કરતા હતા.
અહેવાલ: ભારતી માખીજાણી