- હિરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીને આવકારાયા બાદ ઉમીયા મંદિરના ભૂમિપૂજનમાં પણ ભૂપેન્દ્રભાઈને ફુલડે વધાવાયા
- રાજકોટ મહાપાલિકાના રૂ. 793 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનો શિલાન્યાસ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ અને સદ્ભાવના વૃધ્ધાશ્રમની લીધી મૂલાકાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મૂલાકાતે છે સવારે હિરાસર એરપોર્ટ પર સીએમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ જશવંતપુર ગામ ખાતે ઉમીયા માતાજીના મંદિરના ભૂમિપૂજન વેળાએ મુખ્યપ્રધાનને ફુલડે વધાવવામાં આવ્યા હતા. આજે બપોર સુધી સીએમના રાજકોટમાં ભરચકક કાર્યક્રમો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવ્યા છે.તેઓના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના રૂ.793.45 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે અને રેસકોર્સ ખાતે જાહેર સભા સંબોધશે.મુખ્યમંત્રીના હસ્તે જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ અને સદ્દભાવના વૃદ્ધાશ્રમ સહિતના સ્થળોની મુલાકાત લેશે.
આજે સવારે હરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉમિયા માતાજીના મંદિરના ભૂમિ પૂજન અવસર સ્થળે કડવા પાટીદાર સમાજના લોકોએ તેઓને ફૂલડે વધાવ્યા હતા. હીરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું આગમન થયા બાદ મુખ્યમંત્રી લોધિકા તાલુકાના જશવંતપુરા ગામે ઉમિયા માતાજીના મંદિરના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા.બપોરે 12 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યુનિવર્સિટી રોડ પર આવેલા બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે બપોરે 12:20 જિલ્લા પંચાયતની ઓફિસનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ત્યારબાદ બપોરે 12:45 કલાકે મુખ્યમંત્રી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકાના રૂ.793.45 કરોડના વિકાસના વિવિધ પ્રકોપોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરી સભા સંબોધન કરશે.
મુખ્યમંત્રી દ્વારા સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ટી.પી. સ્ક્રીમ નં.32(રૈયા) વિસ્તારમાં એબીડી હેઠળ નિર્માણ કરવામાં આવેલા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂ.565.11 કરોડના કામનું લોકાર્પણ કરાશે.જેમાં
રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો (રોડ નેટવર્ક, વોટર સપ્લાય તથા રી-સાઈકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમ, સિવરેજ સિસ્ટમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટીંગ, પાવર કેબલ માટે યુટીલીટી ડક્ટસ, સાઈકલ ટ્રેક, ફૂટપાથ વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સિટી બસ સેવામાં નવા રૂટ શરૂ કરવા તેમજ ટ્રાફિકવાળા રૂટમાં વધારાની બસ શરૂ કરવા એમ કુલ 22 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવા ફ્લેગ ઑફ અને ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે 8000 લિ.કેપેસિટીના નવા ખરીદ કરવામાં આવેલ 7 નંગ જેટીંગ મશીન વાહનોને ફ્લેગ ઑફ આપશે.પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે ત્રણ કેન્ટીનના બિલ્ડીંગમાં કરવામાં આવેલ રીનોવેશન કામનું લોકાર્પણ કરશે.જ્યારે રૂ.224.26 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.બાંધકામ વિભાગને લગતા રૂ.67.76 કરોડના 26 કામો, ડ્રેનેજ નેટવર્કને લગતા રૂ.44.50 કરોડના 7 કામો, વોટર વર્કસ નેટવર્કના રૂ.23.84 કરોડના 6 કામ ,રોડ-ડામર કામ તથા ડીવાઈડર-સેન્ટ્રલ લાઈટીંગને લગતા રૂ.83.38 કરોડના 15 કામ અને વિવિધ સાધન ખરીદીના 2 કામોનું ખાતમુહૂર્ત કરશે.
જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 બીએચકેના 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, રૂડાના ઈડબલ્યુ એસ-2 કેટેગરીના ખાલી રહેલા 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે. તેમજ બપોરે 2:30 કલાકે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેશે.