- રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-2024’ જાહેર
- રાજ્યની તમામ પ્લેઝર ક્રાફ્ટ/બોટના માલિકોએ તેમની બોટની નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે
રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ 2024 જાહેર કરાયા છે. જેમાં પ્લેઝર ક્રાફ્ટ/બોટના રજિસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન માટેની પરવાનગી તથા રાજ્યમાં આંતરિક જળમાર્ગો પર સંચાલિત બોટના નિયમન માટે વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. તેમ ગુજરાત મેરીટાઈમ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
આ દરમિયાન વધુમાં, રાજ્યની તમામ પ્લેઝર ક્રાફ્ટ/બોટના માલિકોએ તેમની બોટની નોંધણી સંબંધિત જિલ્લા કલેક્ટરની કચેરીમાં ફરજિયાત કરાવવાની રહેશે. તેમજ બોટની નોંધણી પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડના સર્વેયર દ્વારા બોટનું સર્વેક્ષણ કરવામાં આવશે. બોટનું સંચાલન કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરમિટ-પરવાનગી મેળવવી જરૂરી છે.
અત્રે નોંધનીય છે કે, પ્લેઝર ક્રાફ્ટ/બોટના માલિકોએ પ્રક્રિયા પ્રમાણે નિર્ધારિત ફોર્મમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. જો કોઈ બોટ માલિક આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બોટને ગેરકાયદેસર ગણવામાં આવશે તેમ, વધુમાં જણાવવામાં આવ્યું હતું.