નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપ અને વિન્ડસન કેમિકલ પ્રા. લિ. ના સંયુક્ત ઉપક્રમે ચીખલી તાલુકાના આલીપોર સ્થિત કંપનીના પરિસરમાં મિથેનોલ કેમિકલ લીકેજ અંગે ઓફ સાઈટ ઇમરજન્સી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવારે સવારે વિન્ડસન કેમિકલ કંપનીના એક ટેન્કરમાંથી અંદાજે દસ હજાર લિટર મિથેનોલ કેમિકલ એક્સપ્લોડ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. સાયરન વાગવાની સાથે જ કંપનીના કંટ્રોલ રૂમે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કોલ કરીને ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી. ફેક્ટરીના પરિસરમાં ઊભેલા એક ટેન્કરમાંથી કેમિકલ એક્સપ્લોડ થતા જ કંપનીની એજન્સીઓએ દુર્ઘટના પર કાબૂ મેળવવા સઘન અને તાત્કાલિક પ્રયત્નો શરૂ કરી દીધા હતા.
ત્યારબાદ સરકારી એજન્સીઓ પણ બચાવ અને રાહતની કામગીરીમાં જોતરાઈ હતી. દુર્ઘટના વેળા સ્થળ પર ઉપસ્થિત એક ઓપરેટર ગેસ લિકેજના રિએક્શનના કારણે બેભાન થઈ ગયા હતા. અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજા થતા આ તમામનું ગણતરીની ક્ષણોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ચાર પૈકી બે વ્યક્તિઓને સામાન્ય ઈજા થતા જ સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત કરી તેમજ રસ્તા બંધ કરીને સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. નવસારી-વિજલપોર નગરપાલિકા ઉપરાંત ગણદેવી, બિલિમોરા અને ચીખલીના ફાયર વિભાગના ફાયર ટ્રક અને ફાયર ફાયટર્સે વોટર હોઝની મદદથી સમગ્ર પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે લીલી ઝંડી આપી હવા શુદ્ધ હોવાની અને કોઈ જોખમ ના હોવાનું કહેતા કંપનીનો સ્ટાફ અને કામદારો પુન: પોતાની ફરજ પર જોડાયા હતા. ફેક્ટરીમાં કેમિકલ એક્સપ્લોડની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તે માટે વાસ્તિવક દ્રશ્યો ઊભા કરીને આ મોકડ્રીલ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિવિધ કંપનીમાંથી આવેલા દુર્ઘટનાના કિસ્સામાં અલગ-અલગ ક્ષેત્ર અને વિષયના નિષ્ણાતોએ કંપનીની એજન્સીઓને જરૂરી માર્ગદર્શન અને સવિસ્તૃત સમજ આપી પ્રેરણાદાયી સૂચનો કર્યા હતા. આ મોકડ્રીલ કેમિકલ કંપનીઓમાં ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે કંપની અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને કટોકટીની સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેના અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, મોકડ્રીલ કરવા પાછળનો ઉદ્દેશ અલગ- અલગ વિભાગો વચ્ચે સંકલન તેમજ કામગીરી કરવા પાછળનો સમય કેટલો થાય છે તે ચકાસવાનો હોય છે. આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી મિતેષ પટેલ, મદદનીશ નિયામક (ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય) ડી. કે પટેલ, ચીખલીના મામલતદાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડી. ડી પટેલ, ચીખલી પોલીસ, ફાયર વિભાગ, કંપનીના હોદ્દેદારો, આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ અન્ય આનુષંગિક વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.