- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ‘કિસાન કલ્યાણ’નો અનોખો અભિગમઃ FPO પ્રતિનિધિઓ – અન્નદાતાઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રત્યક્ષ સંવાદ યોજાયો
- કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય વડાપ્રધાનશ્રીને જાય છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પાયાના પ્રયાસોથી કૃષિ અને સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ બની - ખેડૂતોની સામૂહિક સમસ્યા-પ્રશ્નોના ત્વરિત ઉકેલથી સરકાર કૃષિ-કૃષકના કલ્યાણ માટે પ્રતિબદ્ધ
- સામૂહિક ખેતીમાં જ સૌનો ફાયદો છે
- કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન માટે જિલ્લા કક્ષાએ કોમન ફેસિલિટીશેન વિકસાવીએ
- ખેડૂતોએ મુખ્યમંત્રીના એફ.પી.ઓ. સાથે સંવાદ-સમાધાન અંગેના પ્રત્યક્ષ સંવાદના આ અભિગમને બિરદાવ્યો
- મુખ્યમંત્રીના હસ્તે પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું લૉન્ચિંગ તેમજ FPOને વિવિધ સહાયના ચેકનું વિતરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સંર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય વડાપ્રધાનને જાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પદાર્પણ પ્રસંગે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન(FPO)ના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીના પ્રત્યક્ષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને રાષ્ટ્ર વિકાસના ચાર મુખ્ય સ્તંભ માન્યા છે. રાજ્ય સરકારે આ ચાર સ્તંભના સશક્તિકરણથી પણ વિકસિત ગુજરાત માટેની નેમ રાખી છે તેમાંના એક સ્તંભ એવા અન્નદાતાઓ સાથે ચર્ચા-સંવાદ કાર્યક્રમ પોતાના નિવાસસ્થાને મુખ્યમંત્રીએ યોજ્યો હતો.
આ પ્રંસગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પાયાના પ્રયાસોથી કૃષિ અને સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ બની છે. તેમણે નર્મદાના નીર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેના પરિણામે રાજ્યના ખેડૂતને ખેતી માટે પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ થયો છે.
એટલું જ નહિ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રએ ગામે ગામ વીજ વિતરણથી ખેતીને નવજીવન બક્ષી સમૃદ્ધ બનાવી છે. વડાપ્રધાન બન્યા પછી તેઓ દેશભરના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે પ્રયાસરત છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહીને હકારાત્મક અભિગમથી ખેડૂતની સામૂહિક સમસ્યાઓના સમાધાન-નિવારણ માટે ત્વરિત પગલા લીધા છે. ખેતીમાં નવીનીકરણ અને સુધારા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે.
એટલું જ નહિ, ખેડૂતોની બેસ્ટ પ્રેક્ટીસીસના રાજ્યવ્યાપી અમલ માટે રાજ્ય સરકારે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. દિન-પ્રતિદિન કૃદરતી આફત, સાધન સબસિડી સહિતના વિવિધ તબક્કે સહાય આપી છે અને જરૂર મુજબ સહાયનું ધોરણ પણ વધાર્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ તકે ખેડૂતો સાથેના સંવાદ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ FPOના માધ્યમથી ખેડૂતોને સામૂહિક ખેતી કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
મુખ્યંમંત્રીએ એફ.પી.ઓ.ની સફળતાનું ઉદાહરણ આપતા કહ્યું હતું, કે, આજે રાજ્યમાં સંપૂર્ણ મહિલાઓ સંચાલિત એફ.પી.ઓ. નારીશક્તિને પગભર કરવાની ઉમદા કામગીરીથી દેશના ખૂણે ખૂણે પહોંચી છે, એક્સપોર્ટ કરતી થઈ છે.
મુખ્યમંત્રીએ ખેડૂતોની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા પ્રાકૃતિક કૃષિના સર્ટિફિકેશન, કૃષિ ઉપજના વેલ્યૂ એડિશન એટલે કે મૂલ્યવર્ધન માટે જિલ્લા કક્ષાએ કોમન ફેસિલિટીશેન વિકસાવવામાં આવે તે અંગે વિચારણા કરવા રાજ્યના ઉચ્ચ કૃષિ અધિકારીઓને સૂચન કર્યું હતું.
કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડે સ્વાગત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓથી ખેડૂતો મબલખ ઉત્પાદન કરતા થયા છે. સમગ્ર દેશમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે મોખરે છે અને રાજ્યમાં નવા સંશોધનો, મૂલ્યવૃદ્ધિથી ઉત્પાદકતા વધી છે અને ખેડૂતોની આવક પણ વધી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નાબાર્ડ, નાફેડ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી રાજ્યમાં લગભગ 422 જેટલા FPO છે, તેમાંથી 97 જેટલા તો પ્રાકૃતિક કૃષિને સમર્પિત છે.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રાકૃતિક કૃષિ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું તેમજ રાજ્યભરમાંથી આવેલા એફ.પી.ઓ.ને વિવિધ સહાયના ચેકના વિતરણ પણ કરવામાં આવ્યા હતાં.
ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીના પ્રત્યક્ષ સંવાદના આ અભિગમને ધરતીપુત્રોએ બિરદાવ્યો હતો અને પોતાના સંગઠન દ્વારા પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત પ્રોડક્ટ્સની ભેટ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી સાથે સંવાદ દરમિયાન વિવિધ એફ.પી.ઓ.ના પ્રતિનિધિઓએ પાકોના વેલ્યુએડિશન માટેના પ્રોસેસિંગ યુનિટ, પ્રાકૃતિક પ્રોડક્ટના સર્ટિફિકેશન, પ્રાકૃતિક પાકોના વેચાણ, નિકાસ માટેની તાલીમ, સાધનોની ખરીદીમાં સબસિડી જેવા મુદ્દે વિવિધ રજૂઆતો અને સૂચનો પણ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, સંયુક્ત સચિવ પી. ડી. પલસાણા તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.