- નાનાભાઈએ પતંગનો દોરો ન આપતાં 10 વર્ષના બાળકે ખાધો ગળાફાંસો
- મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો
- પરિવારમાં શોકનો માહોલ
સુરતના વરિયાવ વિસ્તારમાં વાલીઓ સામે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભલાભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે. પતિ પત્ની ખેતરે હોય તે સમયે પતંગના દોરાની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે. જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે. ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં. જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યાં હતાં. જો કે 3 નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતાં બે નંબરના સંતાનને માઠું લાગી ગયું હતું. જેથી તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
10 વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી. જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતાં. બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યા હતાં. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. હાલ 10 વર્ષના બાળકના ચોંકાવનારા આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકે ખરેખર આપઘાત કર્યો કે તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે.