અંકલેશ્વર વિસ્તારમાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરી શારીરિક શોષણ કરતા પિતાને અંકલેશ્વરની કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ સાથે જ 55 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ નરાધમ પિતા પોતાની સગી દીકરીનું છેલ્લા એક વર્ષથી શારીરિક શોષણ કરતો હતો. આ અંતે દીકરીએ પોતાની મોટી બહેનને સમગ્ર હકીકત જણાવતા પિતા વિરુદ્ધ અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
એક વર્ષ કર્યુ શોષણ
આ બાબત અનુસાર અંકલેશ્વરમાં વિસ્તારમાં પિતા પુત્રીના સબંધોને લાંછન લગાવતો કિસ્સો 2023માં સામે આવ્યો હતો. આ દરમિયાન પત્નીના મૃત્યુ બાદ પોતાની સગીર વયની દીકરી સાથે ધાક ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પિતાની હેવાનિયતથી ભયભીત બનેલી સગીરાએ પોતાની મોટી બહેનને જણાવતા મોટી બહેન પણ હચમચી ઉઠી હતી.
38 દસ્તાવેજો રજૂ કરાયા
પોતાની નાની બહેન સાથે પિતાની આ હેવાનીયત સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો, તેમજ દુષ્કર્મ સહીત ધાકધમકીની કલમો આધારે ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસ અંકલેશ્વર એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા નરાધમ પિતા વિરુદ્ધ સરકાર રાહે સરકારી વકીલ દ્વારા 38 જેટલા દસ્તાવેજી પુરાવા અને 19 જેટલા સાહેદોને તપાસ્યા હતા.
દીકરીને વળતર ચૂકવવા આદેશ
આ સમગ્ર મામલે સરકારી વકીલની દલીલો અને સાહેદો અને દસ્તાવેજી પુરાવામાં રહેલા તથ્યોને પુરવાર કરતા અંતે અંકલેશ્વરના એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ સાહેબે સાહેદો, દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવા તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટ હેઠળ આજીવન કારાવાસ તેમજ 50 હજારનો દંડ,અને દંડ ન ભરે તો બે માસની સાદી કેદની સજા તેમજ ઇપીકો કલમ 506 (2) હેઠળ વધુ 3 વર્ષની સાદી કેદની સજા અને 5 હજારો દંડ ફટકાર્યો હતો. તેમજ દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનાર દીકરીને ગુજરાત વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ 2019 હેઠળ રૂપિયા 4 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.