તમામ ક્ષતિના લોકો વૈદિક વિવાહમાં જોડાઈ શકશે: આપણી મૂળ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે ત્યારે વૈદિક વિવાહ કરવાથી દામ્પત્ય જીવનમા યશ, વિજય, માન, પાન, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સમાજ ઉત્થાનની પણ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક, શિક્ષણ, આરોગ્ય અને ખેતીલક્ષી પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
ત્યારે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવીન દિશા મળે તેવા ઉદ્દેશ સાથે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક વિવાહની શરૂઆત કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોક પાસે આવેલા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે વૈદિક વિવાહનો આજથી પ્રારંભ થયો છે.
આજ રોજ ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે મલ્ટી પર્પઝ હોલમાં પ્રથમ વૈદિક વિવાહ યોજાયા હતા. જેમાં અમરેલીના સાવરકુંડલાના ભરતભાઈ કારિયાની પુત્રી હસ્તી કારિયાના લગ્ન ગોંડલ તાલુકાના રીબ ગામના મુકેશભાઈ પીપળીયાના પુત્ર સંદીપ પીપળીયા સાથે યોજાયા હતા. વૈદિક વિવાહ પ્રસંગે બન્ને પક્ષ તરફથી 25-25 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને હિંદુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વૈદિક વિવાહ સંપન્ન થયા હતા. આ તકે નવ દંપતીને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓએ મા ખોડલની પ્રતિમા આપીને લગ્ન જીવનની શુભકામના પાઠવી હતી.
વૈદિક વિવાહ વિધિ કરનાર શાસ્ત્રી હિતેષભાઈ દવેએ જણાવ્યું હતું કે, હાલના ઝડપી યુગમાં લગ્ન પ્રસંગોમાં ડેકોરેશન, વ્યસન અને ફેશન જ જોવા મળે છે અને આપણી મૂળ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. જ્યારે વૈદિક વિવાહ કરવાથી દામ્પત્ય જીવનની અંદર યશ, વિજય, માન-પાન, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. તેથી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આ વૈદિક વિવાહ માટે તમામ જ્ઞાતિના લોકોને વિરાટભાવથી આવકારે છે. અહીં આવનાર વરઘોડીયા વૈદિક વિધિથી સંસ્કારિત થશે અને મા ખોડલના આશીર્વાદ લઈને જશે.
એક દિવસમાં ચાર વૈદિક વિવાહ યોજવામાં આવશે
ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે દિવસમાં ચાર વૈદિક વિવાહ યોજવામાં આવશે. વૈદિક વિવાહ પ્રસંગમાં વર અને ક્ધયા પક્ષ તરફથી 25-25 લોકો જ ઉપસ્થિત રહી શકશે અને સાદગીપૂર્ણ રીતે વિવાહ પ્રસંગ યોજી શકાશે. વૈદિક વિવાહમાં કોઈપણ જ્ઞાતિના લોકો નજીવી રજિસ્ટ્રેશન ફી ભરીને જોડાઈ શકશે. વૈદિક વિવાહ માટે અગાઉથી બુકિંગ કરાવવું અનિવાર્ય છે. હાલ વૈદિક વિવાહ માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. બુકિંગ કરાવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ મુખ્ય કાર્યાલય, સરદાર પટેલ ભવન, નવું બિલ્ડિંગ, ચોથો માળ, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, ન્યૂ માયાણીનગર, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ, મો.નં. 7486020810 અથવા 9712947894 પર સંપર્ક કરવા જણાવાયું છે.