- ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનો પ્રામાણિકતા, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં સહભાગી બને: રાજયપાલ આચાર્ય દેવવ્રત
- યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને
- 47 સુવર્ણચંદ્રક તથા 70 વિદ્યાર્થીઓને પીએચ.ડી ની પદવી એનાયત કરાઈ
પંચમહાલના ગોધરા તાલુકામાં વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડ અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ 47 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા 70 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને પ્રામાણિકતા, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં સહભાગી બનવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનના વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે કોલેજો, યુનિવર્સિટીઓ અને યુવાનો સમર્પણ ભાવ અને પરિશ્રમથી સહયોગ કરી દેશનું ભાગ્ય, દિશા અને દશા બદલવા પ્રતિબધ્ધ બને તે જરૂરી છે.
આ વેળાએ ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગીતા જયંતિના દિવસે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં પદવીઓ મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ, વર્તમાનમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જીવંત દષ્ટાંત આપી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમે શિક્ષણનું જ ભાથું ગ્રહણ કર્યું છે તેમાં મૂલ્યનિષ્ઠા અને પ્રમાણિકતાને ગૂંથીને પોતાના કર્મપથ પર નીડરતાથી આગળ વધવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને તમે અહીં મેળવેલા જ્ઞાન સાથે જીવનમાં સતત આગળ વધતા રહો અને અંત્યોદયના વિકાસમાં પ્રયાસરત રહો તથા જાતિવાદ, જ્ઞાતિવાદ અને પ્રાંતવાદને મહત્વ નહીં આપીને રાષ્ટ્રવાદ ને સમર્પિત રહો તેવો અનુરોધ કર્યો હતો.
આ અવસરે પાસંગિક ઉદબોધન કરતાં ગુજરાતના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે આગામી સમયમાં ભારતના શ્રેષ્ઠ ભાવિના નિર્માણમાં જેઓ પાયાની ભૂમિકા ભજવશે તેવા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સૌ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતાની સાથે જીવનની કેડી પર પણ સફળતા મેળવી સૌને ગૌરવાન્વિત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હાથ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ યુનિર્વિસટીના તમામ વિદ્યાર્થીઓને તેઓ સતત પ્રયાસરત રહી, પોતાના પર આત્મવિશ્વાસ રાખી, જીવનમાં જવાબદારીઓનું શ્રેષ્ઠ નિર્વહન કરી શકે અને ધ્યેયસિધ્ધિ સાથે આગળ વધી શકે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે સૌને આવકારી પદવીધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી તથા યુનિવર્સિટીએ છેલ્લા છ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓનો ટૂંકમાં ચિતાર રજુ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં કુલસચિવ અનિલ સોલંકીએ આભાર વિધિ કરી હતી.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં સંપૂર્ણ નિષ્ઠા સાથે શ્રેષ્ઠ પરિણામ આપનાર અને મહત્વની ભૂમિકા ભજવનાર એન.કે.ઓઝાનું મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને 47 સુવર્ણચંદ્રક તથા 70 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી તેમજ કુલ 17,186 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓ અંતગર્ત પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, પદાધિકારીઓ, દાતાઓ, વિવિધ વિદ્યાશાખાના ડીન, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્યઓ, પ્રાધ્યાપકો, સુવર્ણચંદ્રક વિજેતા અને પદવીધારક વિદ્યાર્થીઓ સહિત વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.