- ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું
- યાર્ડની બહાર 500થી વધુ વાહનોની 7 કિમી લાંબી લાઇન લાગી
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો માટે અસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. તેમજ યાર્ડ બહાર ગઈકાલ સવારથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પોહચ્યા હતા અને રાતના 9 વાગ્યા સુધીમાં અંદાજે 500થી વધુ વાહનોની 7 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ ડુંગળીના કટ્ટાની આવક થવા પામી હતી. જે આ વખતની ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 500 થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. તેમજ વહેલામાં વહેલી તકે તેમની આવક કરવામાં આવશે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી રૂ. 850 સુધીનો ભાવ બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકમાં મોખરે સ્થાન ધરાવે છે.
અન્ય રાજ્યમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા આવી પોહચ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીની રેકોર્ડબ્રેક આવક થતી હોય છે. ત્યારે ગોંડલ યાર્ડમાં બહારના રાજ્યમાંથી વેપારીઓ જણસીઓ ખરીદ કરવા માટે આવતા હોય છે. આ દરમિયાન લાલ ડુંગળીની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભર માંથી મોટી-મોટી કંપનીઓના એક્સપર્ટઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. અને ખેડૂતોએ મહા મહેનતે પકવેલ ડુંગળીનો સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળી રહે છે. તેથી તેને લઈને સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડમાં આવતા હોય છે. ત્યારે ફરી એકવાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક થવા પામી હતી. જેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.
અન્ય જિલ્લાઓ માંથી ખેડૂતો માલ વેચવા અહીં આવે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક કરવામાં આવી હતી. યાર્ડના ગ્રાઉન્ડમાં જ્યાં નજર જાય ત્યાં લાલ ડુંગળીના કટ્ટાના થપ્પા લાગી જવા પામ્યા હતા. તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભર માંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો વાહનોમાં લાલ ડુંગળીની જણસી ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી પોહચ્યા હતા. તેનું એકમાત્ર કારણ એ છે કે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.