શાળાઓ અને સંસ્થાઓ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ગણતંત્ર દિનની ઉજવણી કરશે
આવતીકાલે દેશભરમાં રંગેચંગે પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવશે. સવારે ધ્વજવંદન બાદ શહેરના અનેક વિસ્તારો તેમજ ગામો ગામ ગીત સંગીત, શૌર્યગીત, દેશભકિતના ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. શહેરની અનેક શાળાઓ તેમજ સંસ્થાઓ દ્વારા ભાવભેર ગણતંત્રદિનની ઉજવણી કરાશે.
સરસ્વતી વિદ્યાલય
સરસ્વતી વિદ્યાલય દ્વારા પ્રજાસતાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે વિસ્તારના ઉધોગપતિ હેમંતભાઈ સંખાવશના હસ્તે સવારે ૮ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે. તેમજ શાળાના વિદ્યાથીઓ દ્વારા સવારે પ્રભાતફેરી, ભારત માતાનું પુજન, ભવ્ય ભાતીગળ કાર્યક્રમો, ગીત-સંગીત, શૌર્યગીત, દેશભકિતના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના શાળાના સંચાલક જે.ડી.ભાખરના માર્ગદર્શન હેઠળ શાળા સ્ટાફ તથા શિક્ષકગણ જહેમત ઉઠાવી છે.
અભયં એનજીઓ અને રૂડા
પ્રજાસતાક દિન નિમિતે રૂડાના સીઈઓ પંડયાના માર્ગદર્શન અને માધાપર સરપંચ છગનભાઈ તથા પંચાયતના સભ્ય પંકજભાઈ રાવલના સહકારથી સવારે ૮ વાગ્યે સ્વચ્છતા મહારેલીનું માધાપર ગ્રામ પંચાયતથી પ્રયાણ કરવામાં આવશે. અભિયાન રેલીમાં માધાપર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા માધાપર ગામવાસીઓ, અભયંના મેમ્બર્સ તથા ટ્રસ્ટીઓ જોડાશે અને સફાઈ કરતા કરતા માધાપર પ્રા.શાળા સુધી પહોંચશે.
આ કાર્યક્રમમાં ઘોઘુભા, નેશનલ લો કમિશન મેમ્બર અભયભાઈ ભારદ્વાજ વગેરે મહાનુભાવો હાજરી આપશે. સવારે ૭:૪૫ વાગ્યે માધાપર તાલુકા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવામાં આવશે તથા સવારે ૮ થી ૧૦ માધાપર પ્રા.શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. કાર્યક્રમના અંતે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે. તેમજ અભયં તરફથી અંશ ભારદ્વાજ, અમૃતા ભારદ્વાજ, નિશ્ર્ચલ સંઘવી, ડિમ્પલ રાજવીર, આશ્કા કામદાર, ચિંતન કામદાર, કેપ્ટન જયદેવ જોશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
હિન્દ મેઘવાલ સેવા કેન્દ્ર
હિન્દ મેઘવાલ સેવા કેન્દ્ર સંસ્થા તથા સુરક્ષા સેતુ સોસાયટી શહેર પોલીસના ઉપક્રમે પ્રજાસતાક પર્વ નિમિતે સાંજના ૬ કલાકે ‘જન જાગૃતિ કાર્યક્રમ’ ૯-ગંજીવાડા મેઈન રોડ, એચ.જે.ઈન્દ્ર. પાછળ રાખવામાં આવ્યો છે. જેનોલાભ લેવા જાહેર જનતાને સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીયશાળા
ભારત દેશના ૬૯માં પ્રજાસતાકદિન નિમિતે આવતીકાલે તા.૨૬ને શુક્રવારના રોજ સવારના ૮:૧૫ કલાકે રાષ્ટ્રીય શાળાના પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજકોટના ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના વરદ હસ્તે ધ્વજવંદન રાખવામાં આવ્યો છે. આ તકે લોકોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.