- વિશેષ વિમાનમાં ઓચિંતા
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહને મળશે: મંત્રી મંડળની વિસ્તરણની શકયતા વધુ પ્રબળ બની
- મુખ્યમંત્રી પદે બીજી ટર્મના બે વર્ષ પુરા થઇ રહ્યા હોય કામગીરીનું રિપોર્ટ કાર્ડ દિલ્હી દરબાર સમક્ષ રજુ કરશે
મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઇ પટેલ પોતાની બીજી ટર્મના આવતીકાલે બે વર્ષ પુરા કરી રહ્યા છે. તે પૂર્વ આજે સવારે તેઓ વિશેષ વિમાન મારફત ઓચિંતા દિલ્હી ઉપડી જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આગામી દિવસોમાં મંત્રી મંડળના વિસ્તરણની સંભાવના પણ વધુ પ્રબળ બની જવા પામી છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણી સંદર્ભ પણ દિલ્હી દરબારથી તેડા આવ્યા હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.
મુખ્યમંત્રી પદે ભાજપ દ્વારા 13 સપ્ટેમ્બરના 2021ના રોજ ભુપેન્દ્રભાઇ પટેલની નિયુકિત કરવામાં આવી હતી. દરમિયાન 1ર ડિસેમ્બર 2022 ના રોજ સતત બીજી વખત તેઓની સી.એમ. તરીકે નિયુકિત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પદે બીજી ટર્મના તેઓ આવતીકાલે બે વર્ષ પુરા કરી રહ્યા છે. તે પૂર્વ આજે સવારે અચાનક તેઓ ખાસ વિમાનમાં દિલ્હી દરબારમાં પહોંચી ગયા હતા.
સી.એમ. નો દિલ્હીનો કોઇ જ નિર્ધારિત કાર્યક્રમ હતો નહી છતાં આજે સવારે તેઓ અચાનક દિલ્હી પહોંચી જતા રાજયમાં ફરી એક વખત રોચક ચર્ચાઓ થવા માંડી છે. ભુપેન્દ્રભાઇ પટેલ દિલ્હીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહને મળશે. બે વર્ષ દરમિયાન તેઓએ મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીનો રિપોર્ટ રજુ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી રાજયમાં સતત સાતમી વખત સત્તારૂઢ થવા છતાં હાલ ભુપેન્દ્રભાઇ પટેલના મંત્રી મંડળમાં માત્ર 16 જ મંત્રીઓ છે. છેલ્લા ઘણા સમયથી રાજય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પક્ષ પલ્ટો કર્યા અને તેઓ ધારાસભ્ય તરીકે ફરી ચૂંટાઇ આવ્યા છે. તેઓનો મંત્રી મંડળમાં સમાવેશ નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યો છે. લોકસભાની ચુંટણીના પરિણામ બાદ મંત્રી મંડળના વિસ્તરણની શકયતાઓ વધી જવા પામી છે.
આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કોઇપણ નિર્ધારિત કાર્યક્રમ વિના જ અચાનક ખાસ વિમાન મારફત દિલ્હી પહોંચી ગયા હતા. દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત કરશે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલને પણ મળે તેવી સંભાવના જણાય રહી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેનલ દિલ્હીની ઓચિંતી મુલાકાતને લઇ મંત્રી મંડળના વિસ્તરણ સહીતના અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે.
સુત્રોના જણાવ્યાનુસાર ભુપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી પદે બીજી ટર્મના આવતીકાલે બે વર્ષ પુરા કરી રહ્યા છે. ત્યારે તેઓે બે વર્ષ દરમિયાન ગુજરાતના વિકાસ માટે કરેલી પ્રજાલક્ષી કામગીરીનું રિપોર્ટ કાર્ડ લઇને દિલ્હી ગયા છે. તેઓ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ કામગીરીનો રિપોર્ટ રજુ કરશે. સત્તાવાર કારણ ભલે આવુ કંઇક આપવામાં આવતું હોય પરંતુ અંદરની વાત કંઇક અલગ જ હોવાનું મનાય રહ્યું છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણી પૂર્વ ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતાઓ વધુ પ્રબળ બની જવા પામી છે.